ભારતના અતિ મહત્વના હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISRO અમદાવાદ, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ‘ગગનયાન’ વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ 2022 દરમિયાન ખાસ આઉટરિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 3જી એપ્રિલ ભારતીય ઈતિહાસમાં મહત્વનો દિવસ છે. 3જી એપ્રિલ 1984ના રોજ, વિંગ કમાન્ડર રાકેશ શર્મા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બન્યા હતા અને તેમણે સાલ્યુત 7 સ્પેસ સ્ટેશન પર 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટનો સમય ગાળ્યો હતો.
અમદાવાદમાં ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC)ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે રૂ. 10,000 કરોડનું મિશન સ્પેસ મેડિસિન અને કટોકટીની સ્થિતિમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ જેવા વૈવિધ્યસભર ક્ષેત્રના ભારતીય નિષ્ણાતો માટે લગભગ તમામ ક્ષેત્રોમાં જ્ઞાનની સીમાઓને આગળ ધપાવી રહ્યું છે. સાયન્સ સિટી ખાતે ભારતની પ્રથમ ગગનયાન આઉટરીચ ઇવેન્ટનું આયોજન કરાયુ હતું. જે મુલાકાતીઓ માટે સાત દિવસ સુધી ચાલુ રહેશે. ક્રૂ મોડ્યુલનું લાઈફ સાઈઝ મોડલ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ છે. લોન્ચ પ્રસંગે બોલતા SAC-ISROના ડાયરેક્ટર નિલેશ દેસાઈ એ કહ્યું કે ભારત આવા મિશનની યોજના કરનાર ચોથો દેશ હશે. અમે કોઈપણ પરિસ્થિતિમાં જીવન બચાવવા માંગીએ છીએ અને ચેલેન્જર શટલ જેવી આપત્તિ ટાળવા માંગીએ છીએ. અમે મોડ્યુલ સતત સંપર્કમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે ટેક્નોલોજીઓ પણ ઘડી કાઢી છે. તેમણે ઉમેર્યું હતું કે લગભગ 3,000 વૈજ્ઞાનિકો અને ટેકનિશિયન હાલમાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
SAC ના ડેપ્યુટી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર અનુરાગ વર્માએ જણાવ્યું હતું કે બે કોમ્યુનિકેશન સેટેલાઇટ 120 ડિગ્રીના અંતરે મૂકવામાં આવશે જેથી કરીને જ્યારે મોડ્યુલ ભારતના દૃષ્ટિકોણથી પૃથ્વીની પાછળ હશે ત્યારે પણ તે જોડાણ ગુમાવશે નહીં. ઓર્બિટલ મોડ્યુલમાં ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલનો સમાવેશ થાય છે. ક્રૂ મોડ્યુલની ટોચ પર બૂસ્ટર સાથે ક્રૂ એસ્કેપ સિસ્ટમ હશે. મોડ્યુલોને GSLV Mk III દ્વારા અવકાશમાં સંચાલિત કરવામાં આવશે. તેની સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે બે મિશન શરૂ કરવામાં આવશે. જે દરેક વસ્તુની નકલ કરશે, સિવાય કે તેમાં કોઈ માનવ ક્રૂ નહીં હોય. વર્તમાન યોજના એ મોડ્યુલને પૃથ્વીની આસપાસ 400km ભ્રમણકક્ષામાં મૂકવાની છે. જેને લોઅર્થ ઓર્બિટ (LEO) તરીકે ઓળખવામાં આવે છે. ક્રૂ દિવસમાં 16 વખત પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં ફરશે. જે ભારતમાંથી લગભગ ઓસ્ટ્રેલિયાથી ઉપર જશે અને ભારત પરત આવશે. ક્રૂ જેમાં એરફોર્સ પાઇલોટનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અને અન્ય ઘટનાનો અભ્યાસ કરશે.
આ 7 દિવસીય કાર્યક્રમ અંતર્ગત અગ્રણી સંસ્થાઓના પ્રખર નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના સંવાદ ,ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, મોડલ મેકિંગ, નિદર્શન અને ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. અવકાશ વિજ્ઞાનીઓ સાથે ઇન્ટરેક્ટિવ અને આકર્ષક સત્રો વિદ્યાર્થીઓને STEM શાખાઓમાં કારકિર્દી બનાવવા અને ભારતના મહત્વાકાંક્ષી અવકાશ મિશનનો ભાગ બનવા માટે પ્રેરિત કરશે. ઇસરોની ટીમ સપનાને સાકાર કરી રહી છે. ભારત એવા દેશોની ક્લબમાં જોડાશે કે જેમણે શરૂઆતથી જરૂરી ટેકનોલોજી વિકસાવીને માનવ અવકાશ ઉડાનને શક્ય બનાવ્યું છે. અમદાવાદમાં SAC ટીમ પ્રોજેક્ટના વિવિધ પાસાઓ પર કામ કરી રહી છે. સંચાર વિકસાવવાથી માંડીને ઓપરેશનલ સહાય પૂરી પાડવા સુધી. આ પ્રોજેક્ટ ભારતને તેનું પોતાનું માનવ-રેટેડ લોન્ચ વ્હીકલ, રહેવા યોગ્ય મોડ્યુલ, લાઇફ સપોર્ટ સિસ્ટમ, સ્પેસ સૂટ અને તેથી વધુ પ્રદાન કરશે જે ISRO માટે સીમાઓ વિસ્તૃત કરશે.