પાવાગઢ ખાતે ચેત્રી નવરાત્રીના બીજા દિવસે રવિવારની રજાના સમનવયને લઇ દોઢ લાખ ભક્તોએ 42 ડીગ્રી તાપમાન વચ્ચે એસટી બસ, રોપવે સહિત મંદિરમાં દર્શન માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહી અગ્નિ પરીક્ષા પાસ કરી ડુંગર પર બિરાજમાન મહાકાળીના ચરણોમાં શિસ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. મોડી રાતથી જ મોટી સંખ્યામાં યાત્રાળુઓનો સેલાબ શરું થતા મંદિરના નિજ દ્વાર વહેલી સવારથી ખુલ્લા મુકાયા હતા. રોપવે સેવા પણ પાંચ વાગે શરૂ કરી દેવાઈ હતી. નવીન મંદિરના નિર્માણમાં દર્શનાર્થીઓ માટે વિશાળ પરિસર બની જતા પરિસરમાં એક સાથે બે હજાર જેટલા યાત્રાળુઓ સરળતાથી દર્શન કર્યા હતા. ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યના માઈભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. અન્ય રાજ્યોના માઈભક્તો માતાજીની જ્યોત પ્રગટાવીને પોતાના વતન લઈ જતા હોય છે. નવરાત્રિના નવ દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. હાલ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં પણ કોરોના કેસોમાં રાહત મળી છે. જેની સાથે મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. જેને લઇને બે વર્ષ બાદ નવરાત્રી દરમ્યાન માતાજીના પ્રત્યક્ષ દર્શન કરવાનો લ્હાવો મળતા શ્રદ્ધાળુઓમાં પણ દર્શન કરવાનો વિશેષ ઉત્સાહ જોવાઈ રહ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસે એક લાખ, બીજા દિવસે દોઢ લાખ ઉપરાંત યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. હવે આગામી 9 એપ્રિલને શનિવારે આઠમ હોય આઠમના હવનનું અનેરું મહત્વ રહ્યું હોય તે દિવસે તેમજ 10 એપ્રિલ રવિવારના સમન્વય સાથે 16 એપ્રિલના રોજ ચેત્રી પૂનમને લઇ મોટી સંખ્યામા યાત્રાળુઓ આવશેનું તંત્રનું ગણિત છે.