ચરોતર પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. 41 ડિગ્રીથી વધુ તાપમાનમાં જન જીવન શેકાઈ રહ્યુ છે. બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બજારમાં લોકોની અવર જવર ઓછી થઈ જાય છે અને કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. આકાશમાંથી અગનગોળા વરસાવતી આકરી લુથી બચવા લોકો લીંબુનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. ચૈત્રી નવરાત્રિ અને રમઝાન માસને પગલે લીંબુનો વપરાશ વધતા તેની માંગ વધી છે, જેના પગલે તેના ભાવમાં પણ વધારો થયો છે. આણંદ-ખેડા જિલ્લાના શાકમાર્કેટમાં 20 દિવસ અગાઉ 60 રૂપિયે કિલો વેચાતા લીંબુના ભાવ બમણો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં લીંબુ રૂા 100 થી રૂા 140 કિલો ના ઊંચા ભાવે બજારમાં વેચાઇ રહ્યાં છે.જીવન જરૂરી ચીજવસ્તુઓની સાથે હવે લીંબુમાં પણ ભાવવધારો થતા ગરીબ-સામાન્ય વર્ગની હાલત કફોડી બની છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં વાદળો ઘેરાયેલા રહેતા પાકને નુકસાન થતાં ઉતારો ઘટયો. ચાલુવર્ષે ડિસેમ્બર ,જાન્યુઆરી અને ફેબ્રુવારી માસમાં સતત વાદળછાયા વાતાવરણ રહેતા તેમજ વાવાઝોડાને કારણે લીંબુના પાકને કેટલાંક વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. ચરોતરમાં લીંબુ વાવેતર કરતાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે.તેના કારણે લીંબુની આવક ઘટી છે.હાલમાં ઉનાળાના સમયમાં લીંબુની મોટી માત્રામાં માંગ રહેતી હોય છે. ત્યારે ખાસ કરી અને ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ વધારે માત્રામાં હોવાનું જણાવ્યું હતું. તબીબો પણ લીંબુના પાણીનું સેવન કરવાની સલાહ આપે છે. હિટવેવના પગલે સમગ્ર ચરોતર પંથકના બજારોમાં લીંબુની માંગ વધી છે.