ચૈત્રીનવરાત્રિ દરમિયાન ધાર્મિકજનો અને માતાના ભક્તો શ્રદ્ધાળુઓ ઉપર ભક્તિનો ઉજળો ઉજાસ જોવા મળતો હોય છે. આ પવિત્ર દિવસોમાં ભક્તો માતાજીના ચરણે યથાશક્તિ ભેટ દાન આપી આદ્યશક્તિ આરાધના કરતા હોય છે. આણંદના આવેલા પીપળાવ ગામે પ્રસિદ્ધ આશાપુરી માતાના મંદિરે માતાના દર્શને ભક્તો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓનો ધસારો વધી રહ્યો છે. આજે માતાના એનઆરઆઈ ભક્ત પરિવાર દ્વારા આશાપુરી માતાને 27 લાખ ઉપરાંતનો કિંમતી મુગટ ભેટ ધરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદના પીપળાવ ગામે આવેલ આદ્યશક્તિ આશાપુરી માતાનું મંદિર જગપ્રસિદ્ધિ ધરાવે છે. માતાના ભક્તો ઉપર માતાજીની અપરંપાર કૃપા વરસી છે જેને લઈ વિદેશમાં સ્થાયી થયેલ ભક્ત પરિવારોએ આજે પણ ભારતીય ધાર્મિક પરંપરાના મૂલ્યો જાળવી રાખ્યા છે.અને જે કારણે આવા ભક્ત પરિવારો દ્વારા યથાશક્તિ તેઓ દ્વારા માતાના મંદિરે દાન પુણ્યનો પ્રવાહ ઠલવાતો રહે છે. હાલ યુએસએ રહેતા હરીશભાઈ મણીભાઈ પટેલ અને પરિવાર દ્વારા આશાપુરી માતાજીને રૂપિયા 27 લાખ 74 હજાર 536ની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. પુજારી મંડળ તથા ધર્મશાળા ટ્રસ્ટે આભાર માન્યો. આ પ્રસંગે પુજારી હિતેષગીરી ગોસ્વામી, પુજારી કૌશલગીરી ગોસ્વામી અને પુજારી પાર્થ રાવલ હાજર રહી માતાજીને સુવર્ણ મુગટ અર્પણ કરનાર મુગટના દાતાને પૂજા અર્ચના કરાવી માતાજીના કૃપા સદા દાતા પરિવાર ઉપર રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. માતાજીને સુવર્ણ મુગટ અર્પણ કરવા બદલ હરીશભાઈ મણીભાઈ પટેલ પરિવારન આશાપુરી મંદિર સમગ્ર પુજારી મંડળ તથા આશાપુરી માતા અને ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.