હજુ બે દિવસ 42 ડિગ્રીની આસપાસ ગરમી પડવાની આગાહી. સમગ્ર રાજ્યમાં ફૂંકાતા ગરમ-સૂકા પવનની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે. તેમાંય અમદાવાદમાં રીતસરની લૂ વરસી હતી અને સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આમ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. બપોર પછી લૂને કારણે લોકોએ માથું ફાડી નાખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો. હજુ બે દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. એ પછી ક્રમશ: ગરમીમાં ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં દોઢ ડિગ્રી વધીને 42.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.0 ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 70 ટકા નોંધાયું હતું, પણ બપોર પછી ગરમીમાં ક્રમશ વધારો થતાં ભેજનું પ્રમાણ ઘટીને સાંજે 5.30 કલાકે 15 ટકાએ પહોંચતાં લોકોએ દિવસ દરમિયાન માથું તપાવતી ગરમીની સાથે અસહ્ય બફારાથી પરસેવે રેબઝેબ થયા હતા. 31 માર્ચે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે એપ્રિલ મહિનામાં છેલ્લાં 10 વર્ષો દરમિયાન ગત 2014થી અમદાવાદમાં એપ્રિલ મહિના ગરમીનો પારો મોટેભાગે 15 એપ્રિલ પછી અને 29થી 30 એપ્રિલની આસપાસ 43 ડિગ્રીથી વધુ નોંધાયો છે. ત્યારે એપ્રિલની શરૂઆતમાં જ 3 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી પાર કરી જતાં દિવસ દરમિયાન લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરમાં ગરમીનો પારો 41ને પાર કરી ગયો હતો.