કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન અને રાજકોટ રાજ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજના સ્થાનિક સ્વરાજથી લઈ રાજ્ય સરકારમાં તમામ પદાધિકારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સન્માન સમારોહનું આયોજન રાજકોટ રાજવીના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાચા માલમાં ત્રણગણો વધારો થતા નાછૂટકે ખાતરના ભાવમાં વધારો કરવો પડ્યો છે. ખેડૂતોને 8 કલાક વીજળી આપવા અમારી સરકાર કટિબદ્ધ છે. રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હજારો વર્ષથી શાસન કરતો આ ક્ષત્રિય સમાજ લોકશાહીમાં પણ દૂધમાં સાકળ ભળે તેમ ભળી ગયો છે. પોતાનું સર્વસ્વ દેશને અર્પણ કરી આ સમાજ લોકશાહીને માનતો થયો છે. બાજા સમાજને દોરવણી પણ આપે છે. ખાતરના ભાવ વધ્યા એ હકિકત વાત છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાતરમાં વપરાતો કાચો માલ 100એ 100 ટકા આયાત કરવો પડે છે. તેના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. બીજું રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પણ પરિસ્થિતિ બગડી છે અને ત્રીજું છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાને કારણે મહામંદીની જે સ્થિતિ પ્રવર્તી છે તે. આ બધા કારણોને લઈ ખાતરમાં ભાવ વધારો કરવો પડ્યો છે.
કેન્દ્ર સરકારે સબસીડીની મહત્તમ મર્યાદા હતી એટલી તેણે આપી દીધી છે. હવે જો સબસીડી પર નિયંત્રણ ન આવે તો બજેટની વ્યવસ્થા પણ ખોરવાય એટલે નાછૂટકે ભાવવધારો કરવો પડ્યો હોય તેવું હું માનુ છું, ખાતરની અછત થવાની નથી. વીજળીમાં થોડાક વખત પહેલા પુરવઠામાં ગરબડ થઇ હતી. ખેડૂતોની રજૂઆત હતી એ પણ સાચી હતી. અમે મુખ્યમંત્રી, ઊર્જામંત્રી, પ્રધાનમંડળના સર્વ સાથીઓએ ખેડૂતોની ચિંતા કરીને નિર્ણય લીધો કે કોઈપણ ભોગે આપણે ખેડૂતોને 8 કલાક વીજળી પૂરી પાડવી. વર્ષોથી ભાજપે ખેડૂતોને આઠ કલાક વીજળી આપી છે. 8 કલાક વીજળી પૂરી પાડવા માટે આ સરકાર કટિબદ્ધ છે. ઈફ્ફકો DAP ખાતરના ભાવમાં 150 રૂપિયા અને NPK ખાતરના ભાવમાં 285 રૂપિયાનો વધારો કર્યો છે. NPK ખાતરનો નવો ભાવ 1 હજાર 470 રૂપિયા થયો છે. DAP ખાતરનો નવો ભાવ 1 હજાર 350 થયો છે. ડીઝલના વધેલા ભાવ બાદ ખાતરનો ભાવ વધતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. મોંઘા બિયારણ અને મોંઘા ખાતરના કારણે ખેડૂતોને ખેતી કરવી પણ પરવડે તેમ નથી. આવી સ્થિતિ વચ્ચે વધેલો ખાતરનો ભાવ ખેડૂતો માટે મુશ્કેલી સમાન સાબિત થવાનો છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના સરપંચથી માંડીને રાજ્ય સરકારમાં અલગ અલગ હોદ્દા પર ફરજ બજાવતા તમામ લોકોનું આજે રાજકોટના રાજવી માંધાતાસિંહ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. ક્ષત્રિય સમાજે હંમેશા આ દેશને સુયોગ્ય નેતૃત્વ આપ્યું છે. ક્ષત્રિય સમાજમાં ધર્મ, સંસ્કૃતિ, ગૌભક્ત બનીને ગાયોની રક્ષા કરવા પોતાની જાનની આહુતિ આપવા તૈયાર હોય છે.