દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અમદાવાદની મુલાકાતના આજે બીજા દિવસે સવારે તેઓએ શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિર પરિસર નિહાળ્યું હતું. બંને નેતાઓની સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મંદિરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો. દરેક વ્યક્તિને ચેક કરી અને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરમાં 30 મિનિટ સુધી બંને નેતાઓ હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનને અભિષેક પણ તેઓએ કર્યો હતો.સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી તેમણે મંદિરના સ્વામી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ પરત હોટલ જવા રવાના થયા હતા. ગઈ કાલે બંને નેતાઓએ રોડ શો પહેલાં ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતાં. આ પ્રસંગે ભગવંત માને કહ્યું કે, ખોડિયાર માતાના આશીર્વાદ લીધા છે. તેમણે કહ્યું હતું કે, અમે લડાઈ લડીએ છીએ તેમાં મા શકિત આપે. તમે મોટી સંખ્યામાં આવ્યા છો. તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી. ભીડ અને તિરંગો અરવિંદ કેજરીવાલ માટે નવી વાત નથી. દિલ્લી પંજાબ તો થઈ ગયું.
હવે અમારું ગુજરાત’ કહેતા જ લોકોએ બુમાબુમ કર્યું હતું. રોડ શો નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી બાપુનગરબ્રિજ ડાયમંડ ચાર રસ્તા સુધી યોજાયો હતો. બંને નેતાની તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચ્યા હતા. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. રોડ શોને પગલે રૂટ પર તેમજ બંને નેતાનાં વાહન સાથે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘણા બધા લોકો રોડ શો જોવા ધાબા-છાપરાં પર ચડી ગયા હતા, જ્યારે સંતરામપુરથી કેટલાક કાર્યકરો વાજિંત્રો સાથે આવી પહોંચ્યા હતા. શનિવારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.