અમદાવાદમાં ચેટીચાંદ પર્વની ઉજવણી, શોભાયાત્રાઓ નીકળી.

Ahmedabad Latest

અમદાવાદ શહેરમાં શુક્રવારે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ઝૂલેલાલના અવતાર દિવસ અને સિંધી સમાજના નવવર્ષ નિમિતે મણિનગર, કુબેરનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મંદિરોમાં જ્યોત પ્રાગટય, નદીમાં પુજાપાઠ, સામુહિક જમણવાર, સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. એકબીજાને નવવર્ષની શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ શુક્રવારે પાંચકુવા સિંધી માર્કેટમાં ઝૂલેલાલ મંદિરથી રેવડી બજાર સુધી શોભાયાત્રા કઢાઇ હતી. સિંધી સમાજના આગેવાન કમલ મહેતાનીના જણાવ્યા મુજબ અમદાવાદ સિંધી માર્કેટ  ચેટીચાંદ કમિટી દ્વારા પાંચકુવા ખાતે શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પૂર્વ સંધ્યાએ જ  અમદાવાદમાં આવેલા તમામ સિંધી બજારો બંધ કરી દેવાયા હતા. તમામ કાપડ માર્કેટ, રિલિફ રોડ, ગાંધીરોડ, દરિયાપુર, પ્રેમદરવાજા, દિલ્હી દરવાજા, સીજી રોડ, મણિનગર, સરદારનગર, કુબેરનગર બજાર શુક્રવારે સાંજે  બંધ રાખી હતી. શનિવારે પણ સંપૂર્ણ રજા પાડી હતી. માર્કેટ, સોસાયટીઓમાં  બહેરાણા સાહેબની  પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવી હતી. સિંધી ભાઇ-બહેનોએ એકબીજાના ચેટીચાંદ, નવવર્ષની શુભકામના પાઠવી હતી. સવારથી જ  સિંધી વિસ્તારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. સરદારનગર ઝૂલેલાલ મંદિર, કુબેરનગર રાજાવીર મંદિર, બંગલા એરિયા મંદિર, સૈૈજપુર બોઘા, મણિનગર, ઠક્કરનગર, વાડજ, સાબરમતી સહિતના મંદિરોમાં સવારથી જ દર્શન માટે ભીડ જામી હતી. મંદિરોમાં બે દિવસથી અખંડ પાઠ સાહેબનું આયોજન કરાયું હતું. તેની આજે પૂર્ણાહુતિ થઇ હતી. મંદિરોમાં પ્રસાદી, જમણવાર રાખવામાં આવ્યું હતું. શોભાયાત્રાના માર્ગો પર પણ પ્રસાદી, છાસ, ઠંડું પાણી વિતરણ કરાયું હતું.  મંદિરો ,ગુરૂદ્વારા શણગારવામાં આવ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *