એસ.ટી.ના કર્મીઓને આર્થિક લાભ આપવામાં થતો અન્યાય.

Bhavnagar Latest

એસ.ટી. નિગમ રાજ્યના લોકોને અવિરત સેવા આપી રહ્યું છે. પરંતુ નિગમના કર્મચારીઓને આર્થિક લાભ આપવામાં સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. એક તરફ છેલ્લા આઠ વર્ષમાં ડીઝલના ભાવ બમણાં જેટલા થવા પહોંચ્યા છે, તેમ છતાં ભાડામાં કોઈ વધારો કરાયો નથી અને બીજી તરફ સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીમાં અડધાથી વધુની રકમનો કાપ મુકવામાં આવતા કર્મચારીઓ તેમના હક્કના આર્થિક લાભથી વંચિત રહે છે. જે બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે. એસ.ટી. નિગમ દ્વારા વર્ષ ૨૦૧૪માં મુસાફર ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી લઈ આજદિન સુધી ડીઝલના ભાવ વર્ષ ૨૦૧૪માં ૫૭.૮૪ હતા. તે વધીને આજે ૧૦૦ રૂપિયા નજીક પહોંચવા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી મુસાફર ભાડામાં વધારો કરાયો નથી. જેના કારણે નિગમને આર્થિક નુકશાન જઈ રહ્યું છે. અધુરામાં પૂરૂ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન નિગમે સરકારમાં રૂા.૨૮૧૦ કરોડની સબસીડીની દરખાસ્ત કરી હતી. પરંતુ સરકારે તેમાં અડધા જેટલો કાપ મુકી માત્ર ૯૭૦ કરોડની જ સબસીડી આપવામાં આવી હતી. જેના કારણે કર્મચારીઓને આર્થિક લાભ આપવાના સમયે કર્મચારી-અધિકારીઓ જવાબદાર ન હોવા છતાં નિગમ ખોટ કરે છે, આવક નથી મળતી તેેથી આર્થિક લાભ ન આપી શકાય, હવે નિગમનું ખાનગીકરણ કરી નાંખવું જોઈએ તેવી દલીલો કરવામાં આવે છે. જેના કારણે કર્મચારીઓમાં હતાશાની લાગણી જન્મે છે. આ બાબતે ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી એસ.ટી. બસના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવા અને સરકારે નિગમને ત્વરીત સબસીડી ચુકવી આપવા અને કર્મચારીઓના પ્રાણ પ્રશ્નો-આર્થિક પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *