વાઘેશ્વરી માતાજી પહેલાં કાળમીંઢ પથ્થરોની ગુફામાં બિરાજતા.

Junagadh Latest

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ શહેરમાં વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ભાવિકો દર્શને ઉમટી રહ્યાં છે ત્યારે મંદિર વિશે ન જાણેલી વાતો અત્રે પ્રસ્તુત છે. જુનાગઢ નગરીનું વાઘેશ્વરી માતાજીનું મંદિર અદભુત અને અલૌકિક અનુભૂતિઓનું સંગમસ્થાન બની રહે છે. આ આધ્યાત્મિક મંદિરનો ઈતિહાસ પણ રોચક રહ્યો છે. કાળમીંઢ પથ્થરોની ગુફામાં વર્ષો પહેલા બિરાજતા આ વાઘેશ્વરી માતાજીના આ સ્થાનક પર પ્રથમ મંદિર ક્યારે બન્યું તેની ચોક્કસ વિગતો મળતી નથી. પરંતુ મારા પૂજ્ય મોટા બાપુજી નાથાભાઈ જોષી કે, જેઓ માં અંબાના પરમ સાધક આરાધક અને શક્તિસ્વરૂપ હતા તેમની સાથેની વાતચિતથી જાણવા મળેલું કે આ જગ્યા પર પ્રથમ સ્થાપત્ય મંદિર સ્વરૂપે સાતમી સદીમાં એટલે કે આશરે 1200 થી 1300 વર્ષ પૂર્વે થયાનું મનાય છે. પછીથી કાળક્રમે મંદિરનો જીર્ણોધ્ધાર થતો રહ્યો. ગિરનાર જવા માટેનાં આ પ્રવેશદ્વારને વાઘેશ્વરી દરવાજા તરીકે ઓળખવામાં આવતો. આ મંદિર પાસે વિશાળ તળાવ હતું. બહારથી આવતા યાત્રાળુઓ તેમાં સ્નાન કરી દર્શન-પુજા કરી ગિરનારની યાત્રાનો પ્રારંભ કરતા. અનેક પ્રસિધ્ધ સાધકોએ આ જગ્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે. જુનાગઢ રાજ્યના દિવાન ત્રિભુવનરાય દલેરાય રાણાને આ મંદિર પ્રત્યે વિશેષ સદભાવ રહ્યાનું જોવા મળે છે. ઈસ 1921 થી 1923 નાં બે વર્ષના ટૂંકાગાળામાં તેના દિવાન તરીકેના કાર્યકાળમાં તેમણે ઘણાં સુધારાઓ કરી રાજ્યના વિકાસમાં મોટું યોગદાન આપેલું. ભારે વરસાદને કારણે જીર્ણશીર્ણ થયેલા વાઘેશ્વરી મંદિરનાં જીર્ણોધ્ધાર માટે તા. 30-09-1922 નાં રોજ તેમણે એક ઠરાવ પણ કર્યો હતો. તા. 25-10-1922 ના રોજ દિવાન દફતર જાવક ન. 802/79 દ્વારા મંદિરનાં જીર્ણોધ્ધારની મંજુરી અપાઇ હતી.

જૂનાગઢના આ અતિ પ્રાચીન વાઘેશ્વરીનાં મંદિર માટે રાજ્ય સરકાર તરફથી દીવાનના પ્રયાસોને કારણે 500 રૂપિયાની આર્થિક સહાય પણ મળતી થઇ હતી. દેવસ્થાન દફતર ફાઈલ નં. 07 નો અભ્યાસ કરતાં જણાય છે કે, નવાબ દ્વારા પણ રૂ. 100 આ મંદિરના જીર્ણોધ્ધાર માટે આપવામાં આવ્યા હતા. આ સમયે ઘણાં શ્રેષ્ઠીઓએ દાન આપેલું જેમાં રૂ. 500 મહંતશ્રી સુંદરનાથજી ગુરુ પ્રભાતનાથજી, રૂ. 500 મહંતશ્રી મલારરાવ, રૂ. 250 શેઠ લાલદાસ પ્રભુદાસ કોઠારી, રૂ. 250 શેઠ લીલાધર નેમચંદ, રૂ. 250 મિસ્ત્રી સુથાર જીવનવસ્તાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક શ્રેષ્ઠી-સેવકો દ્વારા સારું એવું દાન મળતા મંદિરનો જીર્ણોધ્ધાર થવા પામેલો. મંદિરમાં બેઠક ઉપરની જગ્યાનું બાંધકામ જુનાગઢનાં દોલતરામ ઝાલા અને તેના પરિવાર દ્વારા તા. 12-10-1931 નાં રોજ કરાવી આપવામાં આવેલું. વાઘેશ્વરી માતાજીના મંદિર સાથે અનેક વિશેષતાઓ પણ જોડાયેલી છે. જેમકે, આ મંદિરના ગર્ભગૃહમાં ગણેશદાદા બિરાજમાન છે. આ મંદિરનો પાટોત્સવ અષાઢ સુદ-પૂનમના રોજ ભવ્ય રીતે ઉજવાય છે. જ્યારે અન્નકોટ કારતક સુદ-નોમના દિવસે ઉજવાય છે. નીચલા વાઘેશ્વરી મંદિરથી ઉપલા વાઘેશ્વરી મંદિર જતા ગાઢ જંગલોમાં કાચી કેડીનો રસ્તો હતો. જેમાં 1930 માં કાળા પથ્થરથી કાચી સીડી બનાવવામાં આવેલી. ઈસ 1985 માં મંદિરનું પુનઃસમારકામ થયેલું. ઈસ 1985 થી 2005 સુધી જમનદાસભાઈએ અને પછીથી વિજયભાઈ દ્વારા નાના-મોટા બાંધકામો થતા રહ્યા. જેમાં ઈસ 2001 માં મંદિરની પ્રદક્ષિણાનું કામ પણ પાકુ કરવામાં આવેલુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *