સોમનાથના સાંનિધ્યે ગોલોકધામ તીર્થ ખાતે શ્રી હરિના વૈકુંઠ પ્રસ્થાનની ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.

Gir - Somnath Latest

ભગવાન શ્રી કૃષ્ણ 3102 વર્ષ પૂર્વે પૃથ્વી પરથી સ્વધામ વૈકુંઠ ગયા હતા. સોમનાથના સાંનિધ્યે ગોલોકધામ ખાતેથી કાલગણના અનુસાર ચૈત્રી એકમના રોજ બપોરના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરની પોતાની લીલાને વિરામ આપી સ્વધામ ગયા હતા. પૃથ્વી ધરાતલ પર ભગવાનની અંતિમ ક્ષણને સોમનાથ સાંનિધ્યે આવેલ ગોલોકધામ ખાતે શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ ગઈકાલે શનિવારે ચૈત્રી એકમના રોજ ઉજવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે શાસ્ત્રીય કાલગણના અનુસાર શ્રી કૃષ્ણે 3102 વર્ષ પૂર્વે બપોરે 2 વાગ્યે 27 મિનિટે અને 30 સેકન્ડે વૈકુંઠ પ્રસ્થાન કર્યુ હતું. ગોલોક ધામ પાવન ભૂમી છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરથી સ્વર્ગ ખાતે પ્રયાણ કર્યું એ સ્થાન છે. સાથે જ પ્રભાસની ભૂમિને એટલે જ હરિ અને હર ભૂમિ પણ કહેવાય છે. કારણ કે આ ભૂમિ પર ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણે સ્વધામ માટે આ ભૂમિ પરથી પ્રયાણ કર્યુ હતું. ગોલોક ધામ ભૂમિ પર પરિવ્રાજક સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કર્યા હતા અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે બપોરના 2 કલાક 27 મિનિટ અને 30 સેકન્ડના સમયે પૃથ્વીલોકથી સ્વધામ ગમન કર્યું હતું. આ પાવન દિવસે સોમનાથ સાંનિધ્યે ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વીલોક પરથી ગોલોકધામની ભૂમિથી સ્વધામ ગમન કર્યુ હોવાથી આ સ્થાને શ્રી કૃષ્ણના ચરણ પાદુકાનું પૂજન, શંખનાદ, બાંસુરીવાદનથી જયઘોષ કરવામાં આવ્યો હતો. ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો દ્વારા ગીતાજી પાઠ, યજમાન વેજાણંદભાઇ વાળા પરીવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ યોજાયો હતો. જ્યારે સાંજે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકાની દીવડાઓથી આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, દિલીપભાઇ ચાવડા, યજમાન પરીવાર સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સહભાગી થઈ ધન્ય બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *