આણંદ જિલ્લો છેલ્લા એક દાયકાથી સમગ્ર રાજયમાં સૌથી વધુ વૃક્ષોની સંખ્યા ધરાવે છે, ત્યારે છેલ્લા કેટલાંક વર્ષોમાં રોડ, રસ્તા, બુલેટ ટ્રેન પ્રોજેકટ, કોરીડોર પ્રોજેકટ, એકસપ્રેસ વે સહિત અન્ય વિકાસના કામો માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા આણંદ જિલ્લો વૃક્ષોમાં હજુ અગ્રેસર રહે તે માટે આગામી ચોમાસાના વન મહોત્સવની તૈયારી અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. જેમાં 2.75 લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના જુદા જુદા માર્ગો, ગૌચર કે ગામડાની પડતર જમીનો તેમજ શાળાઓના મેદાનમાં વૃક્ષારોપણ કરવાની તૈયારીઓ અત્યારથી આરંભી દેવામાં આવી છે. હાલમાં સારસા-ભાલેજ વચ્ચે 10 કિમીના માર્ગ પર બંને બાજુએ આવેલી 8 હેકટર જેટલી પડતર જમીનમાં 10 હજારથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષો રોપવા માટે અત્યારથી ખાડા ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લા વન વિભાગ સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી ચોમાસામાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ આણંદ જિલ્લાની 245 હેકટર પડતર જમીનમાં 2.75 લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેમાં પહોળા બનાવેલા માર્ગો પર વૃક્ષો નથી. આણંદ-તારાપુર, સામરખા ચોકડીથી ઉમરેઠ, સારસા-ભાલેજ રોડ, વાસદ રોડ, તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતાં માર્ગો પર જયાં પણ પડતર જમીન મળે ત્યાં વૃક્ષોરાપણ કરીને વધુને વધુ વૃક્ષો ઉછેર કરીને આણંદ જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં હાલમાં સારસા-ભાલેજ વચ્ચે 10 કિમીના માર્ગ પર બંને બાજુએ થઇને 8 હેકટર પડતર જમીનમાં વૃક્ષો રોપવા માટે 10 હજાર વધુ ખાડા તૈયાર કરવાની કામગીરી ચાલી રહીં છે.