સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યકક્ષાના માનનીય ઉદ્યોગમંત્રી ને પત્ર પાઠવી ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં સ્ટાફની ખાલી જગ્યાઓ પૂરવા અંગે રજૂઆત કરવામાં આવેલ છે. આ પત્રમાં જણાવાયું છે કે ભાવનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટો એવું અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ આવેલું છે. આ સિવાય રિ-રોલિંગ મિલ, ડાયમંડ, પ્લાસ્ટિક, કેમિકલ, જીનીંગ-પ્રેસિંગ, ડી-હાઈડ્રેશન, સોલ્ટ તથા સોલ્ટ બેઈઝ ઇન્ડસ્ટ્રીનો ખુબ જ વિકાસ થયેલ છે તથા નજીકના ભવિષ્યમાં ભાવનગર જીલ્લામાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ, સીએનજી ગેસ ટર્મિનલ અને કન્ટેનર મેન્યુફેક્ચરીંગ હબની સ્થાપના થનાર છે. આ ઉપરાંત નારી જીઆઈડીસીમાં પ્લોટ એલોટમેન્ટની કામગીરી પૂર્ણ થયેલ છે અને માઢીયા જીઆઈડીસીમાં નજીકનાં ભવિષ્યમાં પ્લોટ એલોટમેન્ટની કાર્યવાહી શરૂ થશે તેમ જણાય છે. આ સંજોગોમાં ઔદ્યોગિક કામગીરી સાથે સીધો સબંધ ધરાવતી કુલ 8 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ક્લેરીકલ સ્ટાફની પણ ઘણી જગ્યાઓ ખાલી છે. આટલી બધી જગ્યાઓ ખાલી હોવાથી ઉદ્યોગકારોને આ કચેરીને લગતા તેમના કામમાં ખુબ જ વિલંબ થાય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીમાં જનરલ મેનેજર સહિતનાં અધિકારીઓ ઇન્ચાર્જ છે. ટૂંકમાં આ મોટા જિલ્લાની કચેરી ઇન્ચાર્જથી જ ચાલે છે. હાલમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જનરલ મેનેજર, મેનેજર (આર.એમ.), ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર, એકાઉન્ટસ ઓફિસર, મેનેજર(ઈ.આઈ.), સિનીયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર અને જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર-૨ જગ્યાઓ ખાલી છે. છેલ્લા લગભગ ત્રણ વર્ષથી સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રાજ્યના ઉદ્યોગ કમિશ્નરને વારંવાર આ બાબતમાં લેખિત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આ વારંવારની રજુઆતો પરિણામલક્ષી બનેલ નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી અર્થે ભાવનગર પશ્ચિમનાં ધારાસભ્ય અને શિક્ષણમંત્રીને પણ રજૂઆત મોકલવામાં આવી છે.
Home > Saurashtra > Bhavnagar > જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાંબા સમયથી 8 મુખ્ય જગ્યા ખાલી, કચેરીને લગતા તેમના કામમાં ખુબ જ વિલંબ.