પાલિકાએ ડિવાઇડરો પર વાવેલા 20 હજાર જેટલા કોનોકાર્પસ રોજ 1 લાખ લિટર ભૂગર્ભ જળ શોષે છે.

Latest vadodara

તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ વડોદરા જિલ્લામાં 41,215.16 કરોડ લિટર ભૂગર્ભ જળ પડ્યું છે, પણ સાથે જ આ ભૂગર્ભ જળની વડોદરામાં મધ્યમ સ્તરે કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે વડોદરાના ડીવાઇડરો પર 20 હજાર જેટલા કોનોકાર્પસ વૃક્ષો ઊગાડાયાં છે. જે ભૂગર્ભજળને તળિયાઝાટક કરી શકે છે. આફ્રો-અમેરિકન મૂળનાં લીલાંછમ દેખાતાં કોનોકાર્પસ ટ્રીને જબદરસ્ત પાણી આપવું પડે છે. આ વૃક્ષોની સૌથી નુકસાનકારક ખાસિયત એ છે કે, બે ફૂટ ઊંચાઇના સામાન્ય ભારતીય છોડવા રોજનું એકથી અઢી લિટર પાણી ચૂસે છે. જ્યારે કોનોકોર્પસ બે ફૂટનું હોય ત્યારે 4 થી 5 લિટર પાણીની જરૂર પડતી હોય છે. એટલે કે જ્યારે સતત આ છોડવાઓને કાપવામાં આવે ત્યારે તેને વધુને વધુ પાણીની જરૂર પડતી હોય છે. એક અંદાજ મુજબ આ વૃક્ષો રોજનું 1 લાખ લિટર પાણી જમીનમાંથી ચૂસી જતા હોય છે. 2017માં મિશન મિલિયન ટ્રી માટે લાખો રૂપિયાના ખર્ચે ચંડીગઢ, ગાઝિયાબાદ અને પૂણેની નર્સરીમાંથી છોડવા લવાયા હતા. ત્યારે તત્કાલિન સત્તાધીશોએ આ વૃક્ષોને ડિવાઇડર વચ્ચે રોપવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે પાલિકાની સલાહકાર સમિતિના બોટનિસ્ટ ડો.જિતેન્દ્ર ગવળી સહિતના સલાહકારોએ 60 વૃક્ષોની યાદી આપી હતી, જેમાં કોનોકાર્પસ ન હતા. આ વૃક્ષો પાણીનો જબરદસ્ત વપરાશ કરે છે. એટલું જ નહીં જ્યારે આ વૃક્ષો વિકાસ પામતાં હોય ત્યારે અન્ય કોઇ વૃક્ષો મોટાં થઇ શકતાં નથી. તે સમયે 15 હજાર વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં અને આજે આ સંખ્યા વધીને 20 હજાર જેટલી થઇ ગઇ છે.પર્યાવરણ કર્મશીલ હિતાર્થ પંડ્યા કહે છે કે, 2017માં ભૂલ થયા બાદ પણ વર્ષો સુધી ભૂલ કેમ ચાલી રહી છે તે સમજાતું નથી. આ વૃક્ષોના ટ્રિમિંગ માટે કર્મચારીઓને કલાકો સુધી કામે લગાવવા પડે છે. પાલિકા પાસે કર્મચારીઓ ન હોય તો આ વૃક્ષોને પાણી પિવડાવવા માટે પણ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાય છે. આ વેડફાટ જ છે.’ આ વિશે એમએસ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક ડો. અરુણ આર્યે જણાવ્યું કે, ‘આપણી દેશી જાતો સંખ્યાબંધ છે. પણ આ વૃક્ષોને ઉછેરવામાં માવજતની જરૂર ન હોવાથી સહેલો રસ્તો પસંદ કરાયો છે.’કોનોકાપર્સ જો એકવાર તેનો સંપૂર્ણ વિકાસ થઇ જાય પછી તે ઓછું પાણી ચૂસે છે. પણ સામાન્ય રીતે આ છોડવાઓને સતત કાપવામાં આવતા તે પૂર્ણ રીતે વિકસતા નથી. પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના આસિ. ડાયરેક્ટર ગૌરવ પંચાલે જણાવ્યું કે, ‘વૃક્ષોને વોર્ડ કચેરી દ્વારા જ પાણી આપવામાં આવે છે. હાલમાં 6 વોટર ટેન્કર પાણીના પાલિકા પાસે છે. તે પૂરતા ન હોવાથી 50 લાખની મર્યાદામાં પાણી નાખવાનો ચારેય ઝોન માટે કોન્ટ્રાક્ટ અપાયો છે. દરેક ઝોનમાં સરેરાશ રોજનું 28 હજાર લિટર પાણી ડિવાઇડરો સહિતની જગ્યાઓ પર છોડવાઓને આપવામાં આવે છે.’ કારેલીબાગ, તરસાલી, જેલ રોડ, સેવાસી-ભાયલી રોડ, કમાટીબાગની સામેના રોડ, ન્યૂ વીઆઇપી રોડ, મકરપુરા રોડ, અમિતનગરથી કારેલીબાગ પાણીની ટાંકી, સમા સહિતના તમામ વિસ્તારોના ડિવાઇડરોમાં આ વૃક્ષો છે. ફળો અને શાખાઓ ન થતાં સ્થાનિક પક્ષી, પતંગિયાઓ માટે પણ નકામાં પુરવાર થયાં છે. પાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાં છેલ્લા એક વર્ષથી કોઇ તજ્જ્ઞ કાયમી ડાયરેક્ટરની નિમણૂક કરાઇ જ નથી. હાલના ઇન્ચાર્જ ડાયરેક્ટર મંગેશ જયસ્વાલે જણાવ્યું કે, ‘અમે છેલ્લા એક વર્ષથી એક પણ કોનોકાર્પસ વૃક્ષ નવું પ્લાન્ટેશનમાં લીધું નથી. બોટનિસ્ટ ડો. જિતેન્દ્ર ગવળીએ જણાવ્યું કે, આ વૃક્ષ પુખ્ત થઇ જાય પછી ઉખાડવા પણ મુશ્કેલ છે. કરાંચીમાં આજથી 4 વર્ષ અગાઉ 18 લાખ કોનોકાર્પસ વૃક્ષો થઇ જતાં લોકોએ વિરોધ કરી વૃક્ષોને કાઢવા અભિયાન ચલાવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *