બીએએમએસમાં પ્રવેશ મેળવવા નીટની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્કસ મેળવવાનો નિયમ છે. આ નિયમ વિરૂદ્ધ જઇને કોલેજો દ્વારા વિદ્યાર્થીને 50 ટકાથી ઓછા માર્કસ હોવા છતાં પ્રવેશ અપાયો છે. 50 ટકાથી વધુ માર્કસવાળા 120 વિદ્યાર્થીએ આ પ્રક્રિયાને હાઇકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે કોલેજો સામે નારાજગી દર્શાવી હતી. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, કોવિડ અને પરીક્ષાને શું લેવા દેવા? કોવિડમાં કટ ઓફ માર્ક કેવી રીતે ઘટાડી દેવાય? ખાલી જગ્યા ભરાતી નથી,બેઠકો ખાલી પડે એટલે નિયમ થોડાં બદલી દેવાય? સમગ્ર ઘટનામાં દર વર્ષે વિદ્યાર્થીઓને જ સહન કરવાનો વખત આવે છે. આ બધી હકીકત જાણીને અમને ઘણું દુ:ખ થાય છે, વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યની ખબર નથી રહેતી, કોલેજીસ પોતાની રીતે વર્તે છે. દર વર્ષે મારીમચડીને એડમિશન આપી દે પછી વિદ્યાર્થીઓની શું હાલત થાય તેની કોઇને પડી નથી. ખંડપીઠે આ અંગે ચુકાદો અનામત રાખ્યો છે. વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, આયુર્વેદમાં પ્રવેશ મેળવવા નીટની પરીક્ષામાં ફરજિયાત 50 ટકા માર્કસ મેળવવાનો નિયમ છે. જનરલ કેટેગરી માટે પ્રવેશ મેળવવા 50માથી 40 માર્ક કર્યા, અન્યો માટે 35 થી ઘટાડીને 30 કરીને કોલેજીસે તેમને પ્રવેશ આપી દીધા હોવાની રજૂઆત કરાઇ છે. વધુ માર્ક ધરાવતા મેરિટોરિયસ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે છતા તેમા કોઇ ફરક પડતો નથી. ખંડપીઠે એવી દલીલ કરી હતી કે, કોલેજીસને તમારે કડક થઇને કહેવું જોઇએ કે 50 ટકાથી ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નથી પછી ભલે વિદ્યાર્થીઓ હાઇકોર્ટમાં આવે તો તેને સમજાવી શકાય. 12માં ધોરણમાં અને નીટની પરીક્ષામાં 50-50 ટકા માર્કસ ફરજીયાત હોવાનો નિયમ હોય તો બારમાં ધોરણમાં 50 ટકા માર્ક ના હોય અને નીટમાં હોય અથવા બે માથી કોઇ એક પરીક્ષામાં 50 ટકા માર્ક ન હોય તો કોલેજીસ પ્રવેશ આપી શકે? તમારી કેવા પ્રકારની યુનિવર્સિટી છે? તમને ખબર જ નથી કે કેવા પ્રકારના વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.