રાજ્યમાં કેરીની સીઝન 15 મેથી, આ વર્ષે કેસરનો પાક 15-20% થશે, 1 બોક્સના 700ના બદલે 1500 થશે.

Ahmedabad Latest

ગુજરાતમાં કેરીનાં ચાહકો માટે આ વખતે માઠા સમાચાર આવ્યા છે. સમગ્ર ગુજરાતને કેરી પૂરા પાડતાં ગીર પંથક તેમજ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં કેસર કેરીનો આ વખતે માત્ર 15થી 20 ટકા જ પાક થાય તેવી સ્થિતિ હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયો છે. માત્ર 20 જ ટકા પાક થતાં હવે કેરીનાં ભાવ આસમાને પહોંચે તેમ છે. ખેડૂતોનાં અનુમાન પ્રમાણે આ વખતે કેરી બજારમાં બમણાં ભાવે એટલે કે એક બોક્સના રૂ.1200થી રૂ.1500 થઈ જવાની શક્યતા છે. તાઉતે વાવાઝોડા પછી આંબાને થયેલી અસર, ગ્લોબલ વોર્મિંગને પગલે કમોસમી વરસાદ તેમજ પ્રતિકૂળ હવામાનને લીધે આંબાનાં પાકને મોટા પાયે અસર થઇ છે. કેસર કેરીનાં સૌથી મોટા તલાલા માર્કેટિંગ યાર્ડમાં પણ આ વખતે એકથી દોઢ લાખ બોક્સ આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીની સીઝન ગુજરાતમાં દોઢ મહિના પછી એટલે કે 15 મેથી શરૂ થશે. જો વાતાવરણ સાનુકૂળ રહ્યું તો વરસાદ સુધી લોકોને કેરી ખાવા મળશે. ગીરનાં મોરુકા ગામનાં ખેડૂતએ જણાવ્યું હતું કે, અમે દવા અને ખાતરથી કેરી બચે તેવો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ કુદરત સામે કોની ચાલે છે. આ વખતે મારે 200 આંબામાં 50 મણ કેરી થાય તો પણ ઘણું છે. સારું વર્ષ હોય તો મારે 300 મણ સુધી કેરી પાકી છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણને લીધે પાકને ખૂબ નુકસાન થયું છે. કેટલાય ખેડૂતોને ઘરમાં ખાવાની કેરી તેમજ ખાતર-દવાનો ખર્ચે નીકળે તો ઘણું. સરકારે કેસરનું અસ્તિત્વ બચાવવું હશે તો ખેડૂતોને મદદ કરવી પડશે. 15થી 20 ટકા પાકની શક્યતા વચ્ચે કેટલાય ખેડૂતો માને છે કે આ વખતે લૂ તેમજ આકરી ગરમીની આગાહી છે. જેના લીધે નાનું ફળ આ ગરમીને સહન નહીં કરી શકે અને નાશ પામશે. આ સંજોગમાં 5 ટકા પાકને માર પડશે.તલાલા યાર્ડમાં કેરીની આવક ખૂબ જ ઓછી આવશે. આ વિશે તલાલા એપીએમસીનાં સેક્રેટરી એ જણાવ્યું હતું કે, આ વખતે મોર બે મહિના સુધી રહ્યાં. પરંતુ તે કેરીમાં પરીવર્તીત ન થઇને નાના ફળ પીળા ચણા જેવા થઇને ખરી પડ્યાં. ગત વર્ષે અમે તલાલામાં 6 લાખ બોક્સની આવક થઇ હતી. જે આ વર્ષે 20 ટકા ઉત્પાદનથી ઘટી જશે. ગત વર્ષે બોક્સનો ભાવ રૂ. 500થી 600 ખેડૂતને મળ્યો હતો જે આ વખતે રૂ. 700થી 1000 મળશે. જેથી બજારમાં તે કેરી પહોંચતા કિલોએ રૂ. 125થી 150 રૂપિયે વેચાશે. કેરીનાં વેપારી જણાવે છે કે, બજારમાં કેસરને આવતાં હજુ પણ મહિનો લાગશે. આ વખતે કેરીનો પાક 20 જ ટકા થવાની શક્યતા હોઇ કેરી આધારીત પ્રોસેસિંગ પ્લાન્ટને પણ મોટું નુકસાન થશે. જે ઇન્ડસ્ટ્રી રસનું કેનિંગ તેમજ કેરીનું પ્રોસેસિંગ કરીને એક્સપોર્ટ કરે છે તેમને ખૂબ જ મોટું નુકસાન થશે. આ વિશે ગીરમાં કેરી પકવતાં ખેડૂતએ જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાએ ગત વર્ષે આંબાને ઘણું નુકસાન કર્યું હતું. ત્યાર બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં માવઠાં તેમજ પ્રતિકૂળ વાતાવરણે આંબાને અસર કરી. ગ્લોબલ વોર્મિંંગને લીધે વિવિધ ઋતુઓની સાયકલ ફરી ગઇ હોઇ આંબાને તેની અસર થઇ છે. આ વખતે માત્ર 60થી 65 ટકા આંબામાં પર જ મોર બેઠા પછી આવરણ (નાના ફળ) શરૂ થયા. જોકે છેલ્લે માત્ર 20 જ ટકા આવરણ મોટા થયા. બાકીનાં આવરણ પીળા પડીને ખરી પડ્યાં. વંથલીમાં તો આંબામાં પાકની શક્યતા ઓછી છે. બધુ જોતાં માત્ર 15થી 20 જ ટકા પાક બચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *