ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના ઝાંપા વિસ્તારમાં આવેલ એક વાડીમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે. હજુ પણ આ વિસ્તારમાં દિપડા અને સિંહો જેવા વન્યપ્રાણીઓ હોય વનવિભાગ પેટ્રોલીંગ ચાલુ રાખે તેવી ખેડૂતોએ લાગણી વ્યક્ત કરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર પંથકમાં ડોળાસાથી બોડીદર ગામ તરફ જતા રસ્તા ઉપર ઝાપા વિસ્તારમાં કાળુભાઇ નારણભાઈ બારડની વાડી આવેલી છે, અહી જ તેમનું રહેણાક મકાન પણ છે. પરંતુ ઘણા દિવસોથી તેમની વાડીમાં તથા આસપાસના વિસ્તારમાં એક દીપડી દિવસ-રાત આંટાફેરા કરતી જોવા મળતી હતી. જેથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી હતી. જેને લઈ ખેડુત કાળુભાઈએ દીપડી અંગે વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગના ગોપાલભાઈ રાઠોડ, સેવરાભાઈ અને જીતુભાઈ મોરી સહિતના સ્ટાફએ સ્થળની મુલાકાત લઈ દીપડીના સગડ મેળવ્યા હતા. બાદમાં દીપડીને કેદ કરવા માટે આ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ પાંજરા મુક્યા હતા. જેમાં ગઈકાલે વ્હેલી સવારે એક દીપડી પાંજરે પુરાતા ખેડુત પરીવાર અને આસપાસના શેઢા પાડોશી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.દરમિયાન દીપડીને કેદ કરવા માટે આ વિસ્તારમાં તપાસ કરેલ વનવિભાગના અધિકારીઓને મળેલ સગડ મુજબ બેથી વધુ દીપડા હોવાનું જણાયું હતું. જેથી એક દીપડી પકડાયા બાદ પણ આ વિસ્તારમાં પાંજરા યથાવત રાખવામાં આવ્યા હતા. દરમિયાન આજે વ્હેલી સવારે આ વિસ્તારમાંથી બીજી દિપડી પાંજરે પુરાઇ હતી. આમ વનવિભાગના સ્ટાફની સતર્ક કામગીરીથી બે દિવસમાં બે દીપડી પાંજરે પુરાતા ખેડુતો અને ગ્રામજનોમાં હાશકારાની લાગણી પ્રસરી ગઈ હતી. જો કે કેદ થયેલ દીપડીઓને નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. ડોળાસા સહિત આસપાસના વિસ્તાર અને ગામોમાં નિયમિત સિંહ-દિપડા જેવા વન્યપ્રાણીઓ આંટાફેરા કરતા જોવા મળે છે. જેથી વનવિભાગ પણ સતર્ક પેટ્રોલીંગ કરી હિંસક પ્રાણીઓને પાંજરે પુરે તેવી ગ્રામજનોમાંથી માંગ ઉઠી છે.
Home > Saurashtra > Gir - Somnath > કોડીનારના ડોળાસાના ઝાંપામા આવેલી વાડીમાંથી બે દિવસમાં બીજી દીપડી પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહત.