દેશમાં 5જી મોબાઇલ કનેક્ટિવિટી લૉન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેવા સમયમાં ગુજરાતમાં 512 ગામ એવા છે જ્યાં હજુ સુધી મોબાઇલ કનેક્ટિવિટીની સુવિધા પહોંચી નથી. 2011ની વસ્તી ગણતરી રાજ્યમાં 17843 ગામો છે જે પૈકી 512માં મોબાઇલ સર્વિસ વિહોણા છે. આ માહિતી લોકસભામાં કોમ્યુનિકેશન મંત્રાલયે રજૂ કરેલા જવાબમાં સામે આવી છે. તે ઉપરાંત રાજ્યની આ ગ્રામ પંચાયતોમાંથી હાલમાં માત્ર 1814 ગ્રામ પંચાયતોમાં જ ભારત નેટ યોજના અંતર્ગત વાઈ ફાઈ સુવિધા શરૂ કરાઈ છે. બાકીની ગ્રામ પંચાયતોમાં તેનું કામ ચાલું હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યું છે. ભારતનેટ નેટવર્ક યોજના હેઠળ 2 ફેબ્રુઆરી 2022 અનુસાર દેશમાં કુલ 172361 ગ્રામ પંચાયતોમાં વાઇ-ફાઇ હોટસ્પોટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જે પૈકી 53913 પંચાયતોમાં સર્વિસ પૂરી પાડવામાં આવી છે. રાજ્યની વાત કરીએ તો 14,119 પંચાયતોમાં વાઇ-ફાઇ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. લોકસભાના સત્રમાં જામનગરના સાંસદ પૂનમબેને પૂછેલા સવાલના જવાબમાં ગુજરાતના જ ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે, ગુજરાતમાં ભારત નેટ પરિયોજનાના બીજા તબક્કાનો અમલ રાજ્ય સરકારના માધ્યમથી રાજ્ય આધારિત મોડલ અંતર્ગત કરવામાં આવે છે. જેમાં 7668 નિયોજિત ગ્રામપંચાયતને સેવા પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે.તે સિવાય 26 ગ્રામ પંચાયતમાંથી 22ને સેટેલાઈટ મીડિયા પર સેવા પ્રદાન કરવા માટે તૈયાર કરવામા આવી છે.