સૌરાષ્ટ્રમાં એકમાત્ર ભાવનગર શહેરમાં ૨૦૧૮ થી કાર્યરત એવી પી.એન.આર.સોસાયટી દ્વારા સંચાલિત કે.એન.શાહ ઓટીઝમ સ્કુલમાં હાલ ૭૦ બાળકોને નિષ્ણાંતો અને તજજ્ઞાો દ્વારા સઘન તાલીમ આપવામાં આવી રહી છે. બાળકના વર્તણૂક અને વ્યવહારની આપણે સજાગતાપૂર્વક જો નોંધ લઈએ તો જ તેની માનસિક અક્ષમતા વિશે ખ્યાલ પડી શકે અને તેનો યોગ્ય ઇલાજ પણ થઈ શકે. ઓટીઝમ આવી જ બાબત છે. બાળક આંખ સાથે આંખ મેળવીને વાત નથી કરતું, ઘરના સભ્યો, પરિવાર કે સમાજમાં હળવા મળવામાં ખચકાટ અનુભવે છે, શિક્ષણમાં રસ અને રુચિ નથી આવી બાબતોને સામાન્ય ન ગણી શકાય. આવી સમસ્યા સ્વલીનતા એટલે કે ઓટીઝમ ડિસોર્ડર હોઈ શકે છે. ભાવનગર સહિત રાજયની સંબંધિત સંસ્થાઓમાં તા.૨ એપ્રિલના રોજ વર્લ્ડ ઓટીઝમ ડેની ઉજવણી કરાશે.આ દિશામાં જાગૃતતા વધે તે જરૂરી છે. આવા બાળકોની દરકાર લઇ શકે તેમને ભણાવી શકે તેવા શિક્ષકો તૈયાર કરવાની તાલીમ શાળાઓમાં પણ નથી તે કમનસીબી છે. સરકાર દિવ્યાંગો અને બાળકો માટે જાગૃત છે ત્યારે આ દિશામાં પગલા લેવાની આવશ્યકતા છે. ઓટીઝમવાળા બાળકો સાથે સતત જોડાયેલા પ્રિન્સીપાલએ વધુમાં જણાવ્યુ હતુ કે, આવા બાળકો સમાજ સાથે જોડાઈ શકતા નથી અને શિક્ષણમાં પણ તેઓ નબળા રહે છે. તેની સાથે કઈ રીતે વ્યવહાર કરવો તેને શિક્ષણ કઈ રીતે આપવું તે અંગે આ શાળામાં કામ થઇ રહ્યું છે. માત્ર આવા બાળકો જ નહીં તેના વાલીઓને પણ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આવા બાળકો અન્ય પ્રવૃત્તિ જેવી કે તરણ,રમતગમત, કલા પ્રવૃત્તિમાં ખૂબ આગળ નીકળી શકતા હોય છે. જો તેમને તેની ક્ષમતા ચકાસીને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે આ ક્ષેત્રમાં નામના મેળવી શકતા હોય છે અને આવા અનેક ઉદાહરણો નોંધાયેલા છે.માતા-પિતા કે વાલીઓએ બાળકના વર્તણૂકની સભાનતાપૂર્વક નોંધ લેવી જરૂરી છે કારણ કે બાળક સ્વલીનતા-ઓટિઝમથી પીડાતું હોય ત્યારે તે પોતે વ્યક્ત થઈ શકતું નથી અને સમાજથી અલિપ્ત રહેતું હોય છે. આ સંજોગોમાં માતા-પિતા અને વાલીની જાગૃતતા જ સૌથી મહત્વની હોય છે.