કોરોનાના બે વર્ષના અંતરાય બાદ પ્રા.શાળાઓ ધબકતી થતા સંલગ્ન મધ્યાહન ભોજન યોજના પણ રાબેતા મુજબ શરૂ થવા પામી છે અને જિલ્લાની ૯૪૪ શાળામાં ૧.૩૦ લાખથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી રાજ્યની શાળાઓ મોટાભાગે બંધ જેવી હાલતમાં હતી. શિક્ષણ ઓનલાઇન ચાલતું હતું, તેથી શાળાના પ્રાંગણ બાળકોની કિલકારીઓથી ગુંજતા બંધ થઇ ગયા હતાં. પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે શાળા ઓફલાઇન શરૂ કરવાના લીધેલ નિર્ણયને પગલે શાળાઓ ફરીથી ધબકતી અને ચેતનવંતી બની છે. ગ્રામ્ય વિસ્તારમાં શાળાએ આવતા બાળકો માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દરરોજ બપોરે પૌષ્ટિક આહાર પુરો પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દરરોજ બપોરે ભોજન પુરૂ પાડતી એવી આ યોજના પોષણ સાથે ભણતર અંતર્ગત ૧.૩૦ લાખ બાળકોએ તેનો લાભ લીધો હતો. બે વર્ષ બાદ સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના શરૂ થતા બાળકો ખુશખુશાલ જણાતા હતાં. આશરે ૭૪૦ દિવસ બાદ આ કાર્યનો પુનઃ પ્રારંભ થયો હતો અને શાળાઓમાં ખુદ શિક્ષકોએ બાળકોને ભોજન પીરસ્યું હતું. ભાવનગર ગ્રામ્યમાં એમ.ડી.એમ. પોષણ યોજનાના શ્રીગણેશ કર્યાં છે. જિલ્લાના ૯૪૪ કેન્દ્રો પર મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું. જેનો ૧.૩૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. પ્રથમ દિવસે ડે.કલેક્ટરે ઘોઘા કેન્દ્રવર્તી શાળામાં અને ના.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.આર. પાંડેએ સિદસર-શામપરા કેન્દ્રમાં ભોજન પીરસ્યું હતું અને પ્રથમ દિવસે સુખડી અને દાળ ઢોકળીનું ભોજન કરાવવામાં આવ્યું હતું. જ્યારે આગામી દિવસોમાં નિશ્ચિત મેનુ પ્રમાણે નિયમિત મધ્યાહન ભોજન પીરસવામાં આવશે તેમ જણાયું હતું.