એપ્રિલના આરંભે અગન વર્ષાઃ ભૂજ અને સુરેન્દ્રનગર 43, રાજકોટ 42.1.

Latest Rajkot

ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો મહિનો મે તો બાકી છે ત્યાં માર્ચમાં હીટવેવ જારી રહ્યા બાદ એપ્રિલના આરંભે  જ તાપમાનનો પારો અસહ્ય  રીતે ઉંચકાયો છે.આજે ભૂજમમાં સર્વાધિક 43.4 અને સુરેન્દ્રનગરમાં 43 સે. તથા રાજકોટમાં 42.1 સે.તાપમાન સાથે આ ત્રણ શહેરોમાં સર્વાધિક  લૂ વર્ષા થઈ હતી. એપ્રિલમાં દર ઉનાળે હોય છે તેથી વિશેષ તાપ પડવાની શક્યતા છે.  મૌસમ વિભાગના વરતારા મૂજબ ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ- 2022માં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની એટલે કે ઉનાળો વધુ આકરો રહેશે. સમુદ્ર સપાટીના તાપમાનમાં આવેલા પરિવર્તનથી ભારતના ક્લાઈમેટ પર અસર પડે તેવી શક્યતા છે જેના પર તંત્ર દ્વારા વોચ રખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં તા. 3 માર્ચ સુધી અને ગુજરાતમાં તા. 4 માર્ચ સુધી હીટવેવની આગાહી છે અને તા. 5 એપ્રિલથી  સુરત,અમદાવાદ,રાજકોટ સહિત રાજ્યભરમાં આંશિક વાદળોની શક્યતા છે.  ઉત્તર ગુજરાતમાં અમદાવાદ 41.7, ડીસા 41.8,ગાંધીનગર 40.8, વડોદરા 40.4 સે., સૌરાષ્ટ્રમાં  અમરેલી 41.8, જુનાગઢ 40.4 સાથે એક તરફ અસહ્ય લૂ વર્ષા થઈ હતી તો જામનગરમાં આશ્ચર્યજનક રીતે ભર ઉનાળે ઝાકળ વર્ષા થઈ હતી. સવારે 96 ટકા ભેજ સાથે વિઝીબીલીટી એકદમ ડાઉન થઈ જતા વાહનચાલકોએ હેડલાઈટ અને વાઈપર ચાલુ કરવા પડયા હતા. સૌરાષ્ટ્રમાં અસહ્ય લૂ વર્ષાથી રોજ આશરે 400થી વધુને ઝાડાઉલ્ટી,તાવ આવવો, ચક્કર આવવા, છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી, ધબકારા વધી જવા જેવી અસરો થાય છે. જુનાગઢ અને રાજકોટ સહિતના સ્થળોએ 108 પર આવતા કોલ્સની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. સત્તાવાર સૂત્રો અનુસાર રાજકોટમાં ગત સપ્તાહમાં 235 કોલ્સ આવ્યા હતા જેમને સારવાર અપાઈ છે. આરોગ્ય તંત્રે લોકોને મહત્તમ પ્રવાહી લેવા, ખોરાક હળવો-સાદો લેવા, તડકાંમાં બહાર નીકળવાનું ટાળવા અપીલ કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *