હિન્દુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે ત્યારે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના પેલેસ રોડ પર આવેલા આશાપુરા મંદિરને ચૈત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે રોશનીનો શણગાર કરાયો છે. આજથી જ નવ દિવસ સુધી ભાવિકો માતાજીની ભક્તિ ઉપાસનામાં લીન બનશે. 10 એપ્રિલ સુધી ઉજવનારા આ પર્વમાં મંદિરોમાં ચંડીપાઠ, અનુષ્ઠાન, દેવીયજ્ઞ, ગાયત્રી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વહેલી સવારથી લઇને મોડી સાંજ સુધી શહેરના આશાપુરા સહિતના મંદિરોમાં માતાજીના દર્શન કરવા માટે ભાવિકો ઉમટી પડશે. આ ઉપરાંત ચૈત્રી નવરાત્રીમાં દેવી આરાધનાથી શક્તિ, સુખ સમૃધ્ધિ વધે છે. આ નવરાત્રી દરમિયાન વ્રત-ઉપવાસનું પણ અનેરું મહત્વ છે. વૈજ્ઞાનિક દ્દષ્ટિએ ઉપવાસ-એકટાણા કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આજથી જ શરૂ થતા ચૈત્રી નવરાત્રનું ઘટ સ્થાપન કરવા માટે સવારે 8.03 કલાકથી 9.14 કલાક દરમિયાન શ્રેષ્ઠ સમય છે. વર્ષમાં માઘ નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, અષાઢી નવરાત્રી અને શારદીય નવરાત્રી પૈકી સૌથી વધુ અનુષ્ઠાન, જપ, તપ, આરાધના ચૈત્રી નવરાત્રીમાં થાય છે.