રાજ્યમાં 11 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 91 સરકારી અને ખાનગી યુનિવર્સિટી છે,જેમાં 11 નવી ખાનગી યુનિવર્સિટીને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસની સહમતી સાથે સર્વાનુમત્તે મંજૂરી મળતા કુલ 102 સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ થઇ છે. ઉલ્લેખનીય છે કે, નવી 11 સાથે રાજ્યમાં કુલ 63 ખાનગી યુનિવર્સિટીઓ થઇ છે. શિક્ષણ મંત્રીએ એવો દાવો કર્યો છે કે, નવી યુનિવર્સિટીઓ સાથે ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે કદમથી કદમ મિલાવવા પણ સજજ થશે. શિક્ષણ મંત્રી એ કહ્યું હતું કે, વર્ષ 2030માં સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ધો.12 પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ 50 ટકાએ પહોંચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. આ હેતુને પાર પાડવા રાજ્ય સરકારની યુનિ. ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન પણ એટલું જ આવકાર્ય છે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, બે લાખ પ્રાથમિક શિક્ષકોના હીતમાં નિયમો તૈયાર થઇ ગયા છે, જે ટૂંકસમયમાં જાહેર કરાશે. બદલીના નિયમોમાં અરસ પરસ બદલીમાં વતન શબ્દ દૂર કર્યો છે. રાજ્યના બોન્ડેડ શિક્ષકોના કિસ્સામાં 5 વર્ષ પછી અરસ પરસ બદલીની છૂટ અપાશે.