વર્ષ 2021-22નું વાર્ષિક હિસાબી વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે સુરતમાં સ્ટેશનરીની દુકાનો પર હિસાબી ચોપડા અને ફાઈલો લેવા માટે લોકોની લાઈન લાગી હતી. ચોપડાના ભાવમાં 25 ટકા અને ફાઈલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. પેટ્રોલ, ડિઝલ, દુધ સહિત જીવન જરૂરિયાતની તમામ ચિજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થવાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં પણ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો થવાને કારણે કાગળ અને ફાઈલ સહિત તમામ સ્ટેશનરીના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધ્યો છે. બીજી તરફ કાગળ અને પૂઠાનો સપ્લાય ઓછો થઈ ગયો છે જેના કારણે હિસાબી ચોપડા અને ફાઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ પેન્સિલ-પેન સહિતની સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં પણ 15થી 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. એક તરફ કાગળ અને પુંઠાના ભાવમાં વધારો જોવા મળ્યો છે તો બીજી તરફ માલનો શોર્ટ સપ્લાય પણ જોવા મળી રહ્યો છે. આ સાથે જ સ્ટેશનરી સહિતનો માલ મોકલતી કંપનીઓ પહેલાં 30 દિવસ સુધી ઉધારમાં માલ આપતી હતી, પરંતુ હવે એડવાન્સમાં પેમેન્ટ માંગીને માલની ડિલિવરી કરવામાં આવી રહી છે. A4 કાગળના ભાવ 15 રૂપિયા વધી 180 થયા સુરતમાં અને મહારાષ્ટ્રમાંથી સુરતમાં અલગ અલગ સાઈઝના કાગળોના ભાવમાં વધારો થયો છે. જેમાંથી સુરતમાં સૌથી વધારે એ ફોર સાઈઝનો ઉપયોગ થઈ રહ્યો છે. એ ફોર સાઈઝની 500 શિટનું પેકેજ 165 રૂપિયામાં આવતું હતું જેનો ભાવ હવે 180 રૂપિયા થઈ ગયો છે.