ખેડૂતોને આઠ કલાકને બદલે ચાર કલાક જ વીજપુરવઠો આપવાના કરવામાં આવેલા નિર્ણય સામે વિરોધનો વંટોળ ઊઠયા પછી ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ માટે વીજ કાપ આપવાની જાહેરાત કરી દીધી છે. જે બિઝનેસમાં નોન કન્ટિન્યુઅલ પ્રોસેસ હશે તેમાં આ વીજ કાપ લાગુ પડશે નહિ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડના ડિરેક્ટર (ટેકનિકલ) એચ.પી કોઠારીને સહી સાથે ૨૯મી માર્ચે આ સંદર્ભમાં એક પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. ઉર્જામંત્રીએ ખેડૂતોને પણ પૂરતી વીજળીનો સપ્લાય આપવાની જાહેરાત કરી તે પછી ઔદ્યોગિક વપરાશકારોને પણ અઠવાડિયાના એક દિવસ સપ્લાયમાં કાપ આપીને સ્ટેગરિંગની સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના દરેક વિસ્તારની વીજ વિતરણ કંપનીઓને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. જોકે વીજળીના ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાત સરકારની વીજ કંપનીઓ વીજપ્રોડક્શન અને પુરવઠાને હેન્ડલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં ૨૮,૫૦૦ મેગાવોટની ઉત્પાદન ક્ષમતા છે. સરકારી વીજ કંપનીઓ ઉપરાંત અદાણી પાવર, તાતા પાવર, એસ્સાર પાવર જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ વીજળી પેદા કરે છે. તદુપરાંત વિન્ડ પાવરથી ૬૬૬૪ મેગાવોટ અને સોલાર એનર્જીથી પાવર પેદા કરનારાઓ પાસેથી ૩૧૫૦ મેગાવોટ મળીને કુલ ૧૧૦૦૦ મેગાવટ વીજળી મેળવવાની ગોઠવણ કરી હોવા છતાંય ઊનાળામાં માત્ર ગુજરાતની જનતાને પૂરતો વીજળી પુરવઠો આપી ન શકાય તેવું અધકચરું આયોજન છે. આમ તો ઓક્ટોબર ૨૦૨૧થી જ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ પાવરની અછત અનુભવી રહી છે. ઓક્ટોબર ૨૦૨૧મં જ સરકારી વીજ વિતરણ કંપનીઓએ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી યુનિટદીઠ રૃા.૧૬.૫૦ના ભાવે વીજળી ખરીદવી પડી હતી. તેને પરિણામે ૧.૨૦ કરોડથી વધુ વીજ વપરાશકારો પાસેથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ ૨.૯૮ રૃપિયા વસૂલવામાં આવી રહ્યા છે. સરકારી વીજ કંપનીઓના અધકચરા આયોજનને પરિણામે ગુજરાતના ૧.૨૦ કરોડથી વધુ વીજજોડાણધારકો પર વીજ બિલનો બોજ વધી રહ્યો છે. ગુજરાત સરકારના ૨૦,૦૦૦ મેગાવોટની ક્ષમતાના પાવર પ્લાન્ટ અત્યારે શટડાઉન મોડમાં છે. સિક્કાનો પ્લાન્ટ આયાતી કોલસાના ભાવ વધી જતાં બંધ કરી દેવાયો છે. ઉત્રાણ અને ધુવારણમાં કુદરતી ગેસનો સપ્લાય ન હોવાથી વીજ પ્લાન્ટ બંધ છે. સૌથી સસ્તી વીજળી પેદા કરી શકતા લિગ્નાઈટ આધારિત વીજ મથક કે.આલટીપીએસ જૂન ૨૦૨૧થી બંધ હાલતમાં છે. વિન્ડ અને સોલાર પાવર પ્લાન્ટમાં અપેક્ષા કરતાં ઓછી વીજળી પેદા થઈ રહી છે. તેથી ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી યુનિટદીઠ રૃ. ૭થી ૧૮ના ભાવે વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. કારણ કે આયાતી કોલસાનો ટનદીઠ ભાવ ૬૦ ડૉલરથી વધુને ૨૦૦ ડૉલરને આંબી ગયા છે.