અમદાવાદ શહેરમાં નવા સમાવિષ્ટ કરાયેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઇનો મુદ્દો ગત સ્ટેન્ડિંગ કમિટીમાં ઊભો થયો હતો. આ વિસ્તારમાં સફાઈની અનેક ફરિયાદોના પગલે હવે બોપલ અને ઘુમા વિસ્તાર જે થલતેજ, જોધપુર બોડકદેવ અને સરખેજ વોર્ડમાં સમાવેશ થાય છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અન્ય વોર્ડમાં ફરજ બજાવતાં કાયમી સફાઈ કામદારોને સ્વૈચ્છિક રીતે સફાઇની કામગીરી માટે તૈયાર થાય તેના માટે પરિપત્ર કરી સફાઈ કામદારોને જણાવવામાં આવ્યું છે. બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ કામગીરી યોગ્ય રીતે થાય તેના માટે હવે કોર્પોરેશન દ્વારા આવા કાયમી સફાઈ કામદારોને ત્યાં મૂકવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરી અને જણાવવામાં આવ્યું છે કે, આથી તમામ ઝોનમાં કાયમી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઇ કામદારોને જણાવવામાં આવે છે કે ઉત્તર-પશ્ચિમ ઝોનનાં બોડકદેવ, થલતેજ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનનાં સરખેજ, જોધપુર વોર્ડમાં નવા સમાવિષ્ટ કરવામાં આવેલ બોપલ-ઘુમા નગરપાલિકાનાં વિસ્તારોમાં સફાઇની કામગીરી માટે શહેરનાં અન્ય પાંચ ઝોનનાં જે તે વોર્ડમાં કાયમી સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સફાઇ કામદારો પૈકીનાં જે સફાઇ કામદારો બોપલ-ઘુમા નગરપાલિકાનાં સમાવિષ્ટ વિસ્તારોની સફાઇ માટે કોઇ પણ વોર્ડમાં સ્વૈચ્છિક રીતે કામ કરવા માટે સંમત હોય તેવા તો તેઓએ તેઓની હાલની ફરજનાં વોર્ડનાં પબ્લિક હેલ્થ સુપરવાઇઝર મારફતે ઝોનલ આસિ. ડાયરેકટરને લેખિતમાં અરજી કરી આ બાબતની સામેલ નમુના અનુસારનાં સંમતિપત્રકથી લેખિત સંમતિ આપવાની રહેશે.