વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે આજરોજ સાંજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘ દ્વારા કોર્પોરેશનમાં અને શિક્ષણ સમિતિમાં આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવનાર છે. જેમાં લેબર કોર્ટના ચુકાદાનો અમલ કરી તારીખ 10 એપ્રિલ સુધીમાં કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવે તો તારીખ 11 થી સમિતિની કચેરી બહાર પ્રતિક ઉપવાસ, આંદોલન શરૂ કરીને હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી ચીમકી અપાશે. આ આંદોલનમાં 120 શિક્ષણ સમિતિની શાળાઓ, 75 બાલવાડી અને કચેરીના તમામ ચોથા વર્ગના કર્મચારીઓ જોડાશે. સંઘના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે સમિતિમાં શાળા, બાલવાડી અને કચેરીના 570 ચોથા વર્ગના કર્મચારીઓ છે. 1977થી કામ કરતાં ચોથા વર્ગના કર્મચારીઓના નોકરીમાં 720 દિવસથી વધુ થતાં તારીખ 3-3-1992ના રોજ ફક્ત એક વર્ષનો પ્રોબેશન પિરિયડ આપવામાં આવ્યો હતો, જે આજ સુધી દૂર કરવામાં આવ્યો નથી. હાલ 570 કર્મચારીઓમાંથી 380 કર્મચારીઓ નિવૃત્ત થયા છે, અથવા તો મૃત્યુ પામેલા છે. હાલમાં 190 કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. કર્મચારીઓને કાયમી નહિ કરવામાં આવતા સંઘ દ્વારા વર્ષ 2000માં ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરેલો હતો. વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટે લેબર કોર્ટમાં કેસ ચલાવવા આદેશ આપ્યો હતો. વર્ષ 2019માં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવવા છતાં કર્મચારીઓને કાયમી નહીં કરતા 2019માં ગુજરાત હાઇકોર્ટમાં ફરી જવાની જરૂર પડી હતી, જેનો કેસ હાલ ચાલુ છે. તારીખ 9-6-2020 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સર્વ સંમતિથી એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે ફેબ્રુઆરી 2019ના લેબર કોર્ટના ચુકાદાઓનો અમલ કરી કર્મચારીઓને કાયમી કરવા અને આ માટે કોર્પોરેશનની મંજૂરી માટે સમગ્ર સભામાં ઠરાવ મોકલી આપવો. પરંતુ આ ઠરાવને આજ સુધી મંજૂરી આપવામાં આવી નથી. તારીખ 9-6-2020 ના રોજ શિક્ષણ સમિતિના ઠરાવને ગુજરાત હાઈ કોર્ટમાં રજૂ કરતા જજ શ્રી એ આ ઠરાવને માન્ય રાખીને તારીખ 3- 12- 21 ના રોજ ઓરલ ઓર્ડર ઈસ્યુ કર્યો હતો. જેના અનુસંધાનમાં તારીખ 10 -1 -2022 ના રોજ વડોદરા લેબર કમિશનરે નોટિસ કાઢીને ચાર પક્ષકાર મ્યુનિસિપલ કમિશનર, સમિતિના ચેરમેન, શાસનાધિકારી અને સંઘના પ્રમુખને બોલાવ્યા હતા. જેમાં કોર્પોરેશનમાંથી કોઈ આવ્યું ન હતું, અને જવાબ રજૂ કર્યો ન હતો. એ સમયે ચેરમેન અને શાસનાધિકારીએ જણાવ્યું હતું કે સમિતિએ ઠરાવ કરેલો છે પરંતુ આ ઠરાવ કોર્પોરેશનમાં મુલતવી રાખેલ હોય આગળની કાર્યવાહી કરી શકતા નથી. હવે તારીખ 10 એપ્રિલ સુધીમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સંઘ દ્વારા આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.