મત્સ્યોદ્યોગના હબ ગણાતા એવા વેરાવળ બંદરમાં જરૂરીયાત મુજબની સુવિધા વધારવા તથા નિયમિત ડ્રેજીંગની કામગીરી કરાવવા ઉપરાંત ગત વર્ષે આવેલા વાવાઝોડામાં દરીયામાં લાપતા બનેલા પાંચ માછીમારોના પરીવારજનોને સહાય આપવા સહિતના પ્રશ્નો વિધાનસભાના સત્ર દરમિયાન સોમનાથના કોંગી ધારાસભ્યએ ઉઠાવ્યા હતા. તેમજ આ સંબંધે કાર્યવાહી કરી ઉકેલવાની માંગ કરી હતી. સોમનાથના ધારાસભ્ય એ વિધાનસભા સત્રમાં બંદર અને માછીમારોના પ્રશ્નોને લઈ સરકારને ઘેરી હતી અને આ અંગે રજૂઆત કરતા જણાવ્યું કે, મત્સ્યોદ્યોગનું હબ ગણાતા એવા સૌથી મોટું વેરાવળ બંદરમાં જરૂરીયાત મુજબની સુવિધાનો અભાવ હોવાથી માછીમારો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેની વિપરીત અસર મત્સ્યોદ્યોગ પર પડી રહી છે. આ બંદરની ક્ષમતા કરતા ચારેક ગણી એટલે કે અંદાજે પાંચ હજારથી વધારે બોટો કાર્યરત છે. જેના કારણે બોટો પાર્કીંગ, સાફ સફાઈ અને દરીયામાં જવા સમયે ભારે અડચણ ઉભી થાય છે. જેથી ઘણી વખત ઝઘડાઓ પણ થાય છે. તેમજ બંદરમાં નિયમિત ડ્રેજીંગની કામગીરી ન થતી હોવાથી બોટોના અકસ્માતો પણ થઈ રહ્યા હોય માછીમારોને નુકસાન થાય છે. ત્યારે આ બન્ને બાબતોને ધ્યાને લઇ બંદરમાં નવી જેટી જેવી સુવિધા વધારવા અને નિયમિત ડ્રેજીંગ બાબતે નિતી ઘડવા માંગ છે. વધુમાં જણાવ્યું હતું કે, અનેક કારણોસર મત્સ્યોદ્યોગ અને માછીમારો આર્થીક મુશ્કેલીનો સામનો કરતા હોય તેઓને સમયસર નિયમિત સબસીડીની રકમ મળે તેવી વ્યવસ્થા અમલી બનાવવા માંગ છે. માછીમારી કરવા માટે બોટ દીઠ વાર્ષિક 21 હજાર લીટરનો ક્વોટો છે જે ડબલ કરી 42 હજાર લીટર કરવા તેવી જ રીતે ફાયબરની નાની હોડીઓને પ્રતિ મહિને 150 લિટર કેરોસીન ફાળવવામાં આવે છે જે ત્રણ ગણું વધારી 450 લીટર કરવાની માંગ છે. હાલ ખુલ્લા બજારમાં ડિઝલના ભાવ રૂ.96.97 છે જયારે બંદરમાં રૂ.115.50 છે. આ ડિઝલના ભાવ વધારાના કારણે માછીમારોને આર્થિક રીતે મુશ્કેલીઓ પડતી હોવાથી ભાવોમાં સમાનતા લાવવી જરૂરી છે. આ ઉપરાંત વેરાવળમાં ફિશરીઝ કોલેજ આવેલી છે જેમાં આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ કોલેજમાં ફાયરની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી એક માસ પહેલા કોલેજ સીલ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે જે પ્રશ્ન હલ કરવા તથા ગત વર્ષે આવેલા વાવાઝોડામાં વેરાવળ ખારવા સમાજના પાંચ માછીમારો દરીયામાં લાપતા થયા હતા જેઓનો આજ સુધી પતો મળ્યો ન હોવાથી તેમના પરીવારજનોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. જેથી આ પરીવારોને વ્હેલીતકે સહાય આપવા માંગ કરી છે. આ તમામ પ્રશ્નોનું સરકાર વ્હેલીતકે કાર્યવાહી કરી ઉકેલ લાવે તેવી માંગણી કરી છે.
Home > Saurashtra > Gir - Somnath > વેરાવળ બંદરમાં આધુનિક સુવિધા વધારવા અને નિયમિત ડ્રેજીંગ કરાવવાની ધારાસભ્યએ વિધાનસભામાં રજૂઆત કરી.