ગત તા. 21 માર્ચથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજ સરેરાશ 80 પૈસા લેખે વધારો ઝીંકીને નવ દિવસમાં પેટ્રોલમાં આશરે રૂ।. 5.55 અને ડીઝલમાં રૂ।. 5.75નો વધારો ઝીંકી દીધો છે અને આ દૌર હજુ જારી છે. ત્યારે માત્ર નવ દિવસમાં દેશમાં માત્ર ગુજરાતની પ્રજાનો રોજનો ઈંધણ ખર્ચ રૂ।. 14 કરોડ વધી ગયો છે. ગુજરાતમાં રોજ આશરે 82 લાખ લિટર પેટ્રોલ અને 167 લાખ લિટર ડીઝલનો વપરાશ થાય છે. પેટ્રોલિયમ ડીલર્સના સૂત્રો અનુસાર ગત વર્ષે આ વેચાણ કોરોના પીક પર હતો ત્યારે ઘટી ગયું હતું પરંતુ, ફરી આટલું વેચાણ થવા લાગ્યું છે. રાજ્યમાં રોજ આશરે 155થી 160 કરોડનું ડીઝલ અને રૂ।. 80થી 85 કરોડનું પેટ્રોલ વેચાય છે. આમ, માત્ર તાજેતરમાં પોણા છ રૂપિયાના વધારાથી પેટ્રોલ માટે ગુજરાતવાસીઓએ હવે રોજ રૂ।. 4.50કરોડ અને ડીઝલ માટે રૂ।. 9.69 કરોડ વધારે ખર્ચવા પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે રૂ।. 80 પૈસાનો વધારો થાય એટલે ગુજરાત પર રોજનો અંદાજે રૂ।. 2 કરોડનો બોજ વધે છે. આજે રાજ્યના શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ।. 100ને પાર થયો, રાજકોટમાં આજે પ્રતિ લિટર 100.45ના ભાવે પેટ્રોલ વેચાયું હતું અને જો પ્રિમિયમ પેટ્રોલ હોય તો તેનો ભાવ રૂ।. 104થી વધારે હતો. ઉપરાંત ખાનગી કંપનીઓના પંપ ઉપર પણ વધારે ભાવ હોય છે.