યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીની ચૈત્રી નવરાત્રી દરમ્યાન પૂજા અર્ચના કરી આરાધના કરવાનો અનોખો મહિમા અને શ્રદ્ધા સાથેની પરંપરા છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં માઇભકતો માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે પધારી માતાજીની પૂજા-અર્ચના સાથે આરાધના કરી ધન્યતા અનુભવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીના રથ સાથેના સંઘ તેમજ પગપાળા સંઘ સાથે કેટલાક કિલોમીટરના અંતર પગપાળા કાપી યાત્રાધામ પાવાગઢ ખાતે પધારે છે જેમાં મહાકાળી માતાજીના ભક્તોને સત્કારવા અને તેઓના આરામની સુખ સુવિધા અને જમવા પાણી સહિતની વ્યવસ્થા કરવા માટે ઠેરઠેર સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પાવાગઢ હાલોલ તરફ આવતા મુખ્ય માર્ગો સહિત અનેક ગામોમાં વિસામા ઉભા કરી મહાકાળી માતાજીના ભક્તો માટે વ્યવસ્થા કરાય છે. જે અંતર્ગત હાલોલ પાવાગઢ રોડ પર આવેલ હોટલ વિવેક પાસે વડોદરા વડસર ગામના જય મહાકાળી યુવક મંડળ દ્વારા ભક્તોની સુખ-સુવિધા અને આરામ સહિત જમવા પાણીની વ્યવસ્થા માટે વિશાળ અને અધતન વિસામો તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. માઇભકતો આરામ કરી શકે તેવી તમામ સુવિધાઓ ઉભી કરાઇ છે. તેમજ ચા નાસ્તો પાણીથી લઇ બે ટાઈમ ભરપેટ જમવા તેમજ ઠંડા પીણા અને છાશ સહિતની તમામ સુવિધાઓ આ વિશાળ વિસામાં ખાતે ઉપલબ્ધ કરાઈ છે. જ્યારે માતાજીના દર્શન કરી શકાય તે માટે માતાજીના ફોટા મૂકી મંદિર પણ ઉભું કરાયું છે. જ્યારે 2જી એપ્રિલથી શરૂ થતા ચૈત્રી નવરાત્રીના પર્વને લઇને આ વિસામાના આયોજકોએ તમામ સુવિધા ઉભી કરી તમામ તૈયારીઓ સાથે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.
