આજે ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો ચોથો દિવસ છે. ધોરણ 10માં બુધવારે બેઝિક ગણિતનું પેપર લેવાયું હતું અને આજે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે. જ્યારે ધોરણ 12 કૉમર્સમાં આજે અર્થશાસ્ત્રનું પેપર છે.ધોરણ 12 સાયન્સમાં આજે એક પણ પેપર નથી.ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર થોડું અઘરું પુછાઈ શકે તેમ છે. અત્યાર સુધીના બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ગણિત વિષયની 2 પરીક્ષા લેવામાં આવશે. ગઈકાલે બેઝિક ગણિતનું પેપર હતું તે ખૂબ સરળ હતું ત્યારે હવે આજનું પેપર અઘરું આવે તેવી શકયતા છે. બુધવારે ધોરણ 10માં બેઝિક ગણિતની પરીક્ષા હતી. જેમાં 770075 વિદ્યાર્થીઓ હાજર હતા, જ્યારે 30,226 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ધોરણ 12 સાયન્સના કેમિસ્ટ્રીના પેપરમાં 104566 વિદ્યાર્થીઓ હાજર હતા. જ્યારે 1687 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. 12 સમાન્ય પ્રવાહના તત્વજ્ઞાનના પેપરમાં 99752 વિદ્યાર્થીઓ હાજર હતા જ્યારે 2713 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. ધોરણ 10માં બેઝિક ગણિતનું પેપર પૂર્ણ થયું છે. હરીશ નિર્મલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આજનું પેપર સરળ હતું. આખું પેપર બુકમાંથી જ પૂછાયું હતું.તમામ દાખલા પણ સરળ હતા.મેં 75 માર્ક્સ આવી શકે તેટલું લખ્યું છે. વંશીલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પેપર ખૂબ જ સરળ હતું.પેપરમાં મોટાભાગનું ટેક્સટબૂક માથી જ હતું 5-7 માર્કસના દાખલ તથા થિયરી થોડી હાર્ડ લાગી છે બાકીનું પેપર ખૂબ જ સરળ રહ્યું છે મેં 70 માર્કસની ધારણા કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં 9 કોપી કેસ નોંધાયા છે.અમદાવાદની કુમકુમ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી મોબાઈલ લઈને કોપી કરી રહ્યો હતો જેની સામે કોપી કેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધોરણ 10માં જામનગર, રાજકોટ, સાબરકાંઠા, દાહોદ, પોરબંદર અને મોરબીના કેન્દ્ર ખાતે એક અને અમદાવાદ ગ્રામ્યના કેન્દ્ર ખાતે 2 કોપી કેસ નોંધાયા છે.