પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલા પાર્લે પોઇન્ટ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ચાલતા ઇન્સ્ટિટ્યુટમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સવારે 8 વાગ્યાનો બેચ એટેન્ડ કરવા આવેલા 6 તાલિમાર્થી એસીમાં ગરબડ થયાનું જોઈને સમયસર બહાર નીકળી ગયા હતા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. જોકે ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ આગ બુઝી ગઈ હતી. જો કે, એકઝોસ્ટ ફેન ન હોવાને લીધે અંદરના ધુમાડાને દોઢ કલાકે બહાર કાઢી શકાયો હતો. ફેશન ઇન્ટિરિયર અને ટેકસટાઈલ માટેના ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજીમાં સવારે 8:37 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં કોઈ પણ પ્રકારની ફાયર NOC વગર ચાલતા આ ક્લાસીસમાં પહેલો બેચ એટેન્ડ કરવા પહોંચેલા 6 જણાએ એસીમાંથી ધુમાડો નીકળતા જોયું અને બહાર નીકળી ગયા હતા. આ એપાર્ટમેન્ટના સેકન્ડ બેઝમેન્ટમાં પાર્કિંગના અથવા સ્ટોરેજ સિવાય કશું ન કરી શકાય એવો નિયમ હોવા છતાં પણ સંચાલકોએ ગેરકાયદેસર રીતે આ જગ્યાએ ઓરડીઓ ઉભી કરીને ક્લાસીસ શરુ કરી દીધા હતા.સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી નહીંતર તક્ષશીલા જેવી ઘટના બનવાની શક્યતા હતી. હાલમાં પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને આ ક્લાસીસને સીલ મારી દેવામાં આવ્યા છે. ફાયરના ડેપ્યુટી કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું કે ઇન્સ્ટિટ્યૂટના સંચાલક પાસે એનઓસી ન હતું અને આખો ક્લાસીસ ગેરકાયદે ધમધમતો હતો. નિયમ મુજબ, સેકન્ડ બેઝમેન્ટમાં પાર્કિંગ-સ્ટોરેજ સિવાય કોઈ વપરાશ ન કરી શકાય. અઠવાના કાર્યપાલક ઈજનેર એમ.ડી. ચાવડાએ જણાવ્યું કે હજુ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી. હાલમાં ઇન્સ્ટિટ્યૂટને સીલ કરી દેવાયું છે. ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી પોલીસ કેસ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાને નજરે જોનારા વોચમેને નામ ન આપવાની શરતે કહ્યું કે અચાનક જ બેઝમેન્ટમાંથી ધુમાડા નીક્યા. અન્ય લોકો પણ ભેગા થઇ ગયા હતા. ક્લાસીસમાં આવેલા લોકો બહાર નીકળી ગયા હતા. બાદમાં ફાયર બ્રિગેડ આવી હતી.