છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 6 તાલુકાની 6 શાળાઓએ જિલ્લાકક્ષાની રસોઇ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કમિશ્નર પી.એમ પોષણ યોજના, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુર ખાતે આવેલી તાલુકા શાળા નં.1માં તા. 29ના છોટાઉદેપુર જિલ્લાની જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘે ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે અમલી પી.એમ.પોષણ યોજના અંતર્ગત બાળકોને શાળામાં જ બપોરે ભોજન આપવામાં આવે છે. જેનું મેનુ ફિક્સ હોય છે. રસોઇ સ્પર્ધાનો મુખ્ય આશય શાળામાં કાર્યરત મધ્યાહ્ન ભોજન સંચાલક, રસોયણ, મદદનીશ બહેનો આ સ્પર્ધામાં ભાગ લઇ અલગ અલગ પોષણક્ષમ વાનગીઓ બનાવીને બાળકોને ખવડાવે એ છે. મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકો માટે ફાળવવામાં આવતા અનાજ તથા શાકભાજીનો ઉપયોગ કરી બહેનો અલગ અલગ સ્વાદિષ્ઠ અને પોષણક્ષમ વાનગીઓ બનાવે જેથી બાળકો હોંશે હોંશે જમે અને કૂપોષણમુકત બની શકે એવા આશયથી સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધા અગાઉ તાલુકા કક્ષાની રસોઇ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલી ટીમોને જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે આમંત્રિત કરવામાં આવી હતી.તાલુકા શાળા નં.1, છોટાઉદેપુર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાની 6 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં 5 મધ્યાહ્ન ભોજન સંચાલક અને 1 કૂક કમ હેલ્પર બહેને ભાગ લીધો હતો. સહભાગી બહેનોએ તેમની રસોઇકળાને પ્રદર્શિત કરતી અવનવી વાનગીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્ર નંબર-151ના સંચાલક મંજુલાબેન વિશ્રામભાઇ પરમારે બનાવેલી ઢોકળા અને કોબીજના મુઠીયાની વાનગીને નિર્ણાયકો દ્વારા પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. દ્વિતીય ક્રમે મધ્યાહ્ન ભોજન કેન્દ્ર ક્રમાંક-38ના સંચાલક રાયલીબેન અકીલભાઇ રાઠવા દ્વારા બનાવવામાં આવેલ વેજીટેબલ પુલાવ અને કઢીને આપવામાં આવ્યો હતો. જયારે તૃતીય ક્રમે મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્ર ક્રમાંક-99ના સંચાલક રમીલાબેન ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા બનાવવામાં આવેલ દૂધીના મુઠીયા અને મિક્સ શાકને આપવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાની રસોઇ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોને અનુક્રમે રૂા.10,000, રૂા.5000 અને રૂા. 3000નું રોકડ પારિતોષિક અને પ્રમાણપત્ર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.