કેન્દ્રની નીતિ સામે બેન્ક, પોસ્ટ, LIC સહિતના કર્મચારીઓના ધરણાં, સૂત્રોચ્ચારો.

Latest Rajkot

કેન્દ્ર સરકારની બેન્કો તથા જાહેર સાહસો ખાનગી હાથમાં સોપવા, પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધારો ,ઉંચો જી.એસ.ટી. વગેરે નીતિ-રીતિથી  આમ જનતાને પેટનો ખાડો પૂરવાના સાંસા થવા લાગ્યા છે  તેમ કહીને બેન્કો, પોસ્ટ ઓફિસ,  એલ.આઈ.સી., બી.એસ.એન.એલ., વિજકંપની, આંગણવાડી કર્મચારીઓ સહિત 10  યુનિયનોએ આજે સૌરાષ્ટ્રભરમાં સજ્જડ હડતાળ પાડતા વિવિધ સરકારી વિભાગોની કામગીરી માર્ચ એન્ડીંગમાં ખોરવાઈ  હતી.  સૌરાષ્ટ્ર-કચ્છમાં 6000થી બેન્ક કર્મચારીઓ આજે હડતાળમાં જોડાયા હતા અને હજારો કરોડોનું ક્લીયરીંગ અટકી ગયું છે અને હજુ આવતીકાલે પણ બેન્ક,એલ.આઈ.સી. સહિતના સ્થળે આ હડતાળ જારી રહેશે.યુનિયનોએ જણાવ્યું કે આ હડતાળ માત્ર કર્મચારીઓ માટે નહીં પણ સમસ્ત આમ નાગરિકોના પ્રશ્નો માટે પણ છે.  રાજકોટમાં પોલીસે મનસ્વી રીતે કર્મચારીઓને રેલીની મંજુરી નહીં આપતા પોલીસની આ મન ફાવે તેવી નીતિ સામે કર્મચારીઓમાં રોષની લાગણી પ્રસરી છે અને આજે વિશાળ સંખ્યામાં કર્મચારીઓ જ્યુબિલી ગાર્ડનમાં એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચારો, ધરણાં યોજીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું કે રાજ્યમાં અન્યત્ર રેલીની મંજુરી મળે છે માત્ર રાજકોટ પોલીસ ઘરની ધોરાજી ચલાવે છે.આવતીકાલે તા.૨૯ના કર્મચારીઓ પોતપોતાની બેન્ક પાસે દેખાવો યોજશે. રાજકોટમાં એલ.આઈ.સી. કચેરી પાસે કર્મચારીઓએ એકત્ર થઈને નફાકારક વિમા કંપનીના આઈ.પી.ઓ. સહિતના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટઉપરાંત ગાંધીધામ, જામનગર, જુનાગઢ, ભૂજ, પોરબંદર, ખંભાળિયા, વેરાવળ સહિતની કચેરીઓએ પણ હડતાળ પાડી વિરોધ પ્રદર્શન કરાયા હતા.  રાજ્યભરમાં 40,000 આંગણવાડી વર્કરો, 15,000 આશા વર્કરોએ રજા મુકીને રેલી, ધરણાં, સૂત્રોચ્ચાર સહિત કાર્યક્રમોમાં જોડાયાનું જણાવાયું છે.  જુનાગઢ જિલ્લામાં દિવાન ચોક વિસ્તારમાં કર્મચારીઓએ સૂત્રોચ્ચારો કર્યા હતા અને સજ્જડ હડતાળ પાડી હતી.  જામનગરમાં 3200 કર્મચારીઓએ હડતાળમાં જોડાઈને દિપક ટોકિઝ વિસ્તારમાં યુનિયન બેન્ક પાસે એકત્ર થઈને સૂત્રોચ્ચારો કર્યા હતા.  અમરેલીમાં હડતાળની સજ્જડ અસર જોવા મળી હતી અન કર્મચારીઓએ કેન્દ્ર સરકારના નીતિ સામે સૂત્રોચ્ચારો કરીને રોષ વ્યક્ત કર્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *