રિપોર્ટર – અંકુર ઋષી ,રાજપીપળા
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં શરૂ થયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૯,૬૯૧ જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા લાયઝન અધિકારીઓ સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી રહયાં છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરિક્ષા આપી.પરિક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શરૂ થયેલી બોર્ડની આ બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરમાંથી કુલ- ૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ માં જિલ્લામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૬૯૧ વિદ્યાર્થીઓ માટે ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૪૨ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩,૯૧૮ પરીક્ષાર્થીઓ માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૨૪ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં એમ.આર.વિધાલય અને શ્રીમતી સૂરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ નિવાલ્દા ખાતે ૫૦ બ્લોકમાં ૧૦૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે રાજપીપલાની શ્રી કન્યા વિનય મંદિર સ્કૂલ અને શ્રી એમ.આર. વિદ્યાલયના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઇને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. ત્યારબાદ શ્રી પટેલે તમામ પરીક્ષા કેન્દ્રોનું સીસીટીવી કેમેરાથી થતા મોનીટરીંગની મુલાકાત લઇને પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું હતું.