ઉનાળાના પ્રારંભે જ શિયાળબેટ-મોરંગીમાં પાણીની તંગી, ટાપુ પર લોકો ડહોળું પાણી પીવા મજબુર.

Amreli Latest

જાફરાબાદના શિયાળબેટ ટાપુ પર આઝાદીના દાયકાઓ બાદ પીવાના પાણી માટે પાઇપ લાઇન નાખવામા આવી હતી. જો કે વાવાઝોડા બાદ પાઇપ લાઇનનુ ધોવાણ થઇ જતા હાલ ટાપુ પરના લોકો પીવાનુ પાણી મેળવવા વલખા મારી રહ્યાં છે. લોકોને ડંકી અને કુવામાથી પીવાલાયક પાણી ન હોવા છતા ડહોળુ પાણી પીવાની ફરજ પડી રહી છે. તો અહીના મોરંગીમા પણ મહિનુ પાણી મળતુ ન હોય લોકો મુશ્કેલીમા મુકાયા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાસ્તવિકતા અત્યંત ખરાબ છે. દસેક મહિના પહેલા તાઉતે વાવાઝોડા એ તબાહી મચાવી હતી. જેમાં સૌથી વધુ નુકશાન રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સામે આવ્યું હતું. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામ હજુ પણ પાણી વિહોણુ જોવા મળી રહ્યું છે. અહીં મહીની પાઇપ લાઈન વાવાઝોડાના કારણે ધોવાણ થયા બાદ સ્થિતિ ભયાનક છે. હાલ ઉનાળાની ઋતુ હોવાને કારણે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પાણીની જરૂર પડતી હોય છે. તેવા સમયે આ શિયાળબેટ ગામના લોકો ખારૂ અને ડહોળુ પાણી પીવે છે. વર્ષો જૂની ડંકીઓ, મહિલાઓને વાવ અને કુવામાથી ધમીને પાણી મેળવવુ પડી રહ્યું છે. શિયાળબેટમા દસેક હજાર જેટલી વસતિ છે. અહી મોટાભાગના લોકો માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. અહી રહેણાંકમા ડંકીઓ આવી છે તેમા પણ પાણી આવે છે પરંતુ પીવાલાયક નથી. જેના કારણે લોકોના આરોગ્ય પર પણ જોખમ ઉભુ થયુ છે. તો બીજી તરફ અહીના મોરંગીમા પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. નાયબ કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી હતી. જેમા જણાવાયું હતુ કે ગામમા છ હજારની વસતિ છે. મોટી ખેરાળી બર્બટાણાથી મહિની પાઇપ લાઇન નાખવામા આવી છે પરંતુ આજદિન સુધી મોરંગીમા પાણી પહોંચ્યુ નથી. ધોમધખતા તાપમા મહિલાઓને દુરદુર વાડી ખેતરોમા પીવાનુ પાણી મેળવવા જવુ પડી રહ્યું છે. શિયાળબેટના સરપંચ હમીરભાઇ શિયાળે જણાવ્યું હતુ કે વાવાઝોડા બાદ દરિયામા નાખેલી પાઇપ લાઇનનુ ધોવાણ થઇ ગયુ છે. અનેક વખત રજુઆત કરવામા આવી હોવા છતા હજુ સુધી તંત્ર દ્વારા લોકોને પીવાનુ પાણી મળી રહે તે માટે કોઇ વ્યવસ્થા કરાઇ નથી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *