શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાના કુલ-33689માંથી 33061 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જ્યારે 628 વિદ્યાર્થીઓ પ્રથમ પેપરની પરીક્ષા આપવાથી અળગા રહ્યા હતા. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ અને ગેરરીતિનો એકપણ કેસ નહી નોંધતા થતાં શિક્ષણતંત્રએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની એક વર્ષ પછી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે. જોકે કોરોનાકાળને પગલે ધોરણ-8 અને 9માં માસ પ્રમોશનનો લાભ લઇને આવેલા ધોરણ-10ના વિદ્યાર્થીઓના માટે પ્રથમ ઓફલાઇન પરીક્ષા આપી હતી. તે પણ બોર્ડની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓના મનમાં ડર અને મુંઝવણ પણ હતી. જોકે ડર અને મુંઝવણ વચ્ચે ધોરણ-10ના વિદ્યાર્થીઓએ પ્રથમ ભાષાનું પેપર આપ્યું હતું. તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વિષયનું પેપર વિદ્યાર્થીઓએ આપ્યું હતું. તેમાં ધોરણ-10ના કુલ-23144માંથી 510 વિદ્યાર્થીઓ ગેરહાજર અને 22634 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ-12 સાયન્સનું બપોરે 3થી 6 કલાકનું ભૌત્તિકશાસ્ત્રનું પેપર હતું. તેમાં જિલ્લાના 4558માંથી 50 ગેરહાજર સાથે 4508 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અન્ય એક પેપર નામાના મૂળતત્વોના પેપરમાં કુલ-5876માંથી 66 ગેરહાજર અને 5810 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના સહકાર પંચાયતના પેપરમાં કુલ-111માંથી બે ગેરહાજર સાથે 109 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાના પ્રથમ દિવસે એકપણ કોપીકેસ વિના શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થતાં જિલ્લા શિક્ષણ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ધો-10માં ગુજરાતી વિષયના પેપરમાં કન્યા વિદાય, હું માનવી થાઉં તો ઘણું અને ફરી બનવા ચાહું હું પ્રભુ નિબંધ પુછીને દિકરીઓનું મહત્વ, માનવતા અને બાળપણને યાદ કર્યા હતા. જોકે દેશભક્તિની ભાવનાની સાથે સાથે શૌર્યને યાદ કરતો અહેવાલ પુછવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા એકદમ સરળ નિકળ્યું હતું. ઉપરાંત વ્યાકરણ, પ્રશ્નો સહિત પાઠ્ય પુસ્તક આધારીત અને નિયત કરેલા સમયમાં પૂર્ણ થાય તેવું રહ્યું હતું. ગુજરાતી વિષયના શિક્ષક નરેન્દ્રભાઇ જીવાણીના જણાવ્યા મુજબ પેપરમાં જોડણીની ભૂલો જોવા મળી હતી. પ્રશ્ન પત્રમાં વિભાગ-અ અને બમાં હેતુલક્ષી પ્રશ્નો એકંદરે સરળ રહ્યા હતા. જ્યારે વિભાગ-સી વ્યાકરણનો વિભાગ વિદ્યાર્થીઓ પલકવારમાં પૂરો કરી દીધો હતો. પેપરમાં વિભાગ-ડી વિદ્યાર્થીઓને મનભાવન રહ્યો હતો. જોકે જોડણીમાં એક ભૂલ હતી. પરંતુ વિદ્યાર્થીઓ સમજી શકે તેવી હોવાથી તેઓને કોઇ જ મુંઝવણ થઇ નથી. તેમાં અર્થવિસ્તારમાં અથવામાં પુછાયેલો અર્થ અમુક વિદ્યાર્થીઓને અઘરો અને અમુક વિદ્યાર્થીઓને સહેલો લાગ્યો હતો. જ્યારે તમારી શાળામાં પ્રજાસત્તાક દિને શૌર્યગીત સ્પર્ધાના આયોજન અંગેનો અહેવાલ જે વિદ્યાર્થીઓને સહેલો લાગ્યો હતો. જોકે બે વર્ષથી શાળાઓ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓને કોઇ જ મુશ્કેલી પડી નહી. તેજ રીતે નિબંધ પણ વિદ્યાર્થીઓને ખબર પડે તેવો જ હતો. કન્યા વિદાય : એક કરૂણ- મંગલ પ્રસંગ નિબંધ વિદ્યાર્થીઓને સરળ લાગ્યો હતો. જ્યારે હું માનવી થાઉં તો ઘણું અને ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું તે નિબંધમાં વિદ્યાર્થીઓના મિશ્ર પ્રત્યાઘાત રહ્યા હતા.