ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે બોર્ડની પરીક્ષાના 5 દિવસ પહેલા જ રાજકોટના 92 સહિત રાજ્યના 400 જેટલા વિદ્યાર્થી એવા છે જેમણે છેલ્લી ઘડીએ વિષય બદલ્યો છે. પરીક્ષાના એક સપ્તાહ પહેલા જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં હોલ ટિકિટ આવી ત્યારે તેમને જાણ થઇ કે પોતાને બેઝિક ગણિત રાખવું હતું પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલ થઇ હોવાને લીધે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ થઇ ગયું છે.આવા રાજ્યના અંદાજિત 400 વિદ્યાર્થીએ હોલ ટિકિટ આવી ગયા બાદ શિક્ષણબોર્ડમાં વિષય બદલવા રજૂઆત કરી હતી અને બોર્ડે આવા વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત વિષયની પરીક્ષા આપવા મંજૂરી આપી છે. બોર્ડની પરીક્ષામાં આ વર્ષે પ્રથમ વખત બે ગણિતના પેપર લેવાના છે જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ કે સ્કૂલે ભૂલથી સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કરી લીધો હતો. પરંતુ બાદમાં વિદ્યાર્થીને જ્યારે પરીક્ષાની હોલ ટિકિટ હાથમાં આવી ત્યારે જાણ થઇ કે પોતાને સ્ટાન્ડર્ડ ગણિત નહીં પરંતુ બેઝિક ગણિતની પરીક્ષા આપવાની છે.20 માર્ચે હોલ ટિકિટ આવ્યા બાદ રાજકોટના 92 વિદ્યાર્થી સહિત રાજ્યના 400 જેટલા વિદ્યાર્થીએ શિક્ષણબોર્ડને રૂબરૂ રજૂઆત કરી વિષય બદલી આપવા માગણી કરી. શિક્ષણબોર્ડે પણ પરીક્ષાના 5 દિવસ બાકી હતા ત્યારે જ વિષય બદલી આપવાની મંજૂરી આપતા હવે વિદ્યાર્થીઓ 30મીએ બુધવારે બેઝિક ગણિત અને 31મીએ ગુરુવારે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવાશે. હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ અનેક વિદ્યાર્થીઓની રજૂઆત આવી હતી કે હવે તેમને સ્ટાન્ડર્ડ ગણિત નહીં પરંતુ બેઝિક ગણિતની પરીક્ષા આપવી છે. રાજ્યમાં અંદાજિત 350થી 400 જેટલા વિદ્યાર્થીના વિષયમાં બદલાવ કરી સ્ટાન્ડર્ડ ગણિતને સ્થાને બેઝિક ગણિત સુધારી આપ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધારા માટેની રજૂઆત કરવા આવ્યા હતા જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ગણિતના હતા. આ ઉપરાંત બીજા વિષયના સુધારા, નામમાં સુધારા સહિતની અનેક બાબત હતી. – ડી.એસ. પટેલ, સચિવ, ગુજરાત શિક્ષણ બોર્ડ રાજ્યમાં અનેક વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીએ વિષય બદલતા શિક્ષણ બોર્ડે પણ પરીક્ષા શરૂ થઇ તે જ દિવસે એટલે કે 28મીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતના વિષયમાં સુધારા હોલ ટિકિટ બાદ કરવામાં આવ્યા છે તેની બેઠક વ્યવસ્થા કરવા તમામ ઝોનલ અધિકારીઓને જણાવ્યું છે. સુધારો કરાવનાર શાળાના આચાર્યોને પણ જાણ કરી છે કે વિદ્યાર્થીઓને બેઝિક ગણિત વિષય સુધારો કરનાર વિદ્યાર્થીઓની પરીક્ષા 30મી માર્ચે લેવાની છે.