આજે 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આંકડાશાસ્ત્ર અને ઈતિહાસનું પેપર, ધો.10 અને ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને રજા.

Ahmedabad Latest

આજે બોર્ડની પરીક્ષાનો બીજો દિવસ છે. ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને રજા છે, જ્યારે 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આજે આંકડાશાસ્ત્ર અને ઈતિહાસનું પેપર છે. સવારે 10:30થી 1:45 સુધી ઇતિહાસનું પેપર છે અને 3 વાગ્યાથી 6:15 સુધી આંકડાશાસ્ત્રનું પેપર છે. એ ઉપરાંત આજથી બોર્ડ દ્વારા સ્કૂલોમાં જે CCTV લગાવવામાં આવ્યા છે એની ગઇકાલની સીડી લઈને CCTV કેમેરા પણ ચકાસવામાં આવશે, જેમાં કોઈ વિદ્યાર્થી શંકાસ્પદ જણાશે અથવા કોપી કરતો નજરે પડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ધો.10 અને 12ની પરીક્ષાના પ્રથમ દિવસે કુલ 11.02 લાખ વિદ્યાર્થીમાંથી 10.73 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.05 લાખ વિદ્યાર્થીએ, જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 1.84 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ધો.10માં અંગ્રેજી અને ધો.12માં એકાઉન્ટ અને ફિઝિક્સનું પેપર એકંદર ઈઝી રહ્યું હતું. રાજ્યમાં 7 કોપી કેસ અને 2 ડમી કેસ પકડાયા હતા, જેમાં સેટેલાઈટની નારાયણગુરુ સ્કૂલમાંથી વિદ્યાર્થી પાસેથી ચિઠ્ઠી તેમજ રાણીપની મંગલદીપ સ્કૂલમાંથી વિદ્યાર્થી પાસેથી મોબાઇલ મળ્યો હતો. ધોરણ 10માં ભાષાના પેપરમાં કુલ 8 લાખ 12 હજાર 120માંથી 7 લાખ 86 હજાર 921 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. આમ ધો. 10 અને 12માં 29,395 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. ગઈકાલે ભાષાનું પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પેપર પૂર્ણ થતાં સ્કૂલની બહાર પોતાના સંતાનને લેવા આવેલા વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. એકંદરે પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. 2 વર્ષથી તો માસ પ્રમોશનમાં પાસ થતા હતા, હવે પરીક્ષા આપીએ છીએ એટલે થોડો ડર છે. તૈયારી પૂરી કરી છે એટલે પાસ તો થઈ જ જવાશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પહેલું પેપર પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો. વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ વિષયનું પેપર પૂર્ણ થયું. પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો, કારણ કે પહેલું પ્રમાણમાં સરળ રહ્યું. પરીક્ષાર્થીઓને જણાવ્યા પ્રમાણે પરીક્ષા આપતાં અગાઉ થોડો ડર હતો, પરંતુ જ્યારે પ્રશ્નપત્ર હાથમાં આવ્યું અને પૂર્ણ થયું જ્યારે પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓ ખુશ જણાયા. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ પરીક્ષા પૂર્ણ થતા સમયે વિદ્યાર્થીઓને લેવા પહોંચેલા વાલીઓ વિદ્યાર્થીઓના ચહેરાને જોઈ રાહત અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *