વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 9માંથી 8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવા છે કે જેમાંથી ધારાધોરણ મુજબ પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવામાં આવતું નથી. જેના કારણે વિશ્વામિત્રીમાં ગંદા પાણીનું પ્રદૂષણ ફેલાય છે. આ આઠમાં તરસાલી, ગાજરા વાડી, સયાજીબાગ, કપુરાઈ (નવો અને જુનો), છાણી તથા અટલાદરા-1 (જૂનો) અને અટલાદરા-2 (નવો) નો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા પ્રતિદિન 409 એમ.એલ.ડી સુએજનું પાણી પેદા થાય છે. આ આંકડો વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીનો પુરવઠો પહોંચતો કરવામાં આવે છે તેના આધારે નક્કી કરાયો છે .જોકે આમાં શહેરીજનો દ્વારા બોરનું પાણી જે વપરાશમાં લે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશનને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક આદેશ આપીને તાકીદ કરી છે કે વિશ્વામિત્રી નદીમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કર્યા વિના પાણી છોડવું નહીં. જો પાણી છોડાશે તો કોર્પોરેશનના અધિકારીઓને જેલની સજા થશે. કોર્પોરેશન દ્વારા તેના તમામ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નદીમાં જે પાણી છોડવામાં આવે છે તેનું ઓનલાઈન મોનિટરિંગ થઈ શકે તેવી સુવિધા જ નથી. જોકે કોર્પોરેશન દ્વારા શહેરમાં નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં છાણી ખાતે 50 એમએલડી, વેમાલી ખાતે 13 એમએલડી, ભાઈલી 45 એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે. અટલાદરામાં 84 એમએલડી અને તરસાલી માં100 એમએલડી ના નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા ટેન્ડર પ્રક્રિયા થઇ રહી છે.