પાણીની નવી લાઇનના ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં કરાયાની ફરિયાદ.

Gandhinagar Latest

ગાંધીનગર શહેરના વિવિધ માર્ગો ઉપર હાલ પાણીની નવી પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે. ત્યારે કામ પૂર્ણ થયા બાદ માટીનું યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતું હોવાની ફરિયાદ શહેર વસાહત મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. યોગ્ય પુરાણના અભાવે ચોમાસામાં ખાડા પડી જવાથી મોટા અકસ્માત સર્જાવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. તંત્રને આ મામલે ત્વરિત કાર્યવાહી કરી એજન્સીને યોગ્ય પુરાણ કરાવવા સુચના આપવાં પણ જણાવાયું છે. ગાંધીનગર શહેરમાં હાલ તંત્ર દ્વારા પીવાના પાણીની મોટી લાઈન નાખવામાં આવી રહી છે. પરંતુ કામ પુર્ણ થવા છતાં ખોદકામ કરેલી માટી પુરાણ લેવલ પ્રમાણે કરવામાં આવતું નથી.  અત્યારે  મહાત્મા મંદિરથી સેકટર-પ પાસે  ખ-રોડ અને આજુબાજુના વિસ્તારમાં પીવાના પાણીની લાઈન ખોદકામ કરી  ફીટ કરી દેવામાં આવી છે. પરંતુ લાઈન નાખવા માટે ખોદકામ કરી માટી પુરાણ દબાણ કરી વ્યવસ્થિત જમીન લેવલ કરવામાં આવતું નથી. આથી ચોમાસામાં વરસાદને કારણે માટી પુરાણ બરાબર કરવામાં નહીં આવેતો નીચે પોલાણને કારણે માટી નીચે બેસી દબાઈ જશે અને ઉંડા ખાડા અને વરસાદમાં ઉપર ગાયો જનાવરો તથા અંધકારમાં માણસો ભૂલેચૂકે ચાલવા જશે તો મોટો અકસ્માત સર્જાય તેમ છે. આથી ગમે તેમ કરેલા પુરાણને વ્યવસ્થિત રીતે રોલર મશીન ફેરવી દબાણ પુર્વક નાખેલ પીવાના પાણીની લાઈન પર પુરાણ કરવામાં આવે તેવી જરૂરી સુચનાઓ સંબંધિત જવાબદાર અધિકારીનું ધ્યાન દોરી કોન્ટ્રાક્ટરને સુચનાઓ આપવામાં આવે તેવી માંગ શહેર વસાહત મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે મહાત્મા મંદિરથી ખ-ર સુધી પાણીની લાઈન નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી અહીં ખોદકામ કરેલ માટીના ઢગલા પડેલા છે જે તાત્કાલિક દુર કરી ફુટપાથ ખાલી કરવામાં આવે જેથી વહેલી સવારે નિયમિત વોકિંગ કરતાં વસાહતીઓ, સિનિયર સિટીઝનો સલામત રીતે વોકિંગ કરી શકે. અત્યારે ફુટપાથ પર માટીને કારણે લોકોને જાહેર રોડ પર વચ્ચે ચાલવાની ફરજ પડે છે. જેથી ખ રોડ ઉપર અકસ્માત સર્જાવાની સંભાવના પણ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *