અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી હાઈસ્પીડ (બુલેટ) ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર બ્રિજ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. લગભગ 500 મીટર લાંબા આ કોંક્રિટ બ્રિજ માટે નદીમાં 8 પિલર તૈયાર કરવામાં આવશે, જેની ઊંચાઈ લગભગ 13.8 મીટર હશે. શાહીબાગ અને સાબરમતી વચ્ચે નદી પર આવેલા રેલવે બ્રિજની બાજુમાં અને તેને સમાંતર આ બ્રિજ તૈયાર કરવાની કામગીરી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા શરૂ કરાઈ છે. હાલમાં નદીના પટમાં માટી પુરાણ કરવાની સાથે બ્રિજ માટે તૈયાર થનારા પિલરની જગ્યાએ નિઓ ટેક્નોલોજીની મદદથી સોઈલ ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. એનએચએસઆરસીએલના અધિકારીએ જણાવ્યું કે, સાબરમતીથી વટવા સુધી 18 કિમી રૂટ પર સાબરમતી સ્ટેશન અને અમદાવાદ સ્ટેશન ઉપરાંત સાબરમતી બ્રિજ અને એલિવેટેડ કોરિડોર તૈયાર કરવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.