પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમ જ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમા (જી.એ.એસ) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ- 1951ની કલમ- 33-1-ખ અન્વયે મળેલ અધિકારની રૂએ હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, ઢીંકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી ભારે તેમજ ખાનગી વાહનોના પાવાગઢમાં પ્રવેશ પર તા.2 થી 16 એપ્રિલ 2022 સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બોડેલીથી હાલોલ તરફ જતા વાહનો તેમજ હાલોલથી બોડેલી તરફ જતા વાહનો બાયપાસ પરથી જઈ શકશે. પાવાગઢમાં આવતા દર્શનાર્થીઓ વડા તળાવ ચોકડી ઉપરથી વાહનો સાથે પાવાગઢમાં પ્રવેશ કરી શકશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ- 1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.