ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામના ખેડૂતે આ વર્ષ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક અને આકર્ષણનું કેન્દ્ર બને તેવી ખેતી કરી છે જેમાં ખેડૂતે અંદાજીત ૧૫ વીઘાના ખેતરમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે ત્યારે વાવેતર બાદ ખેતરમાં સારૂ પરિણામ જોવા મળતા ખેડૂતના ચહેરા પર રાજીપો જોવા મળ્યો હતો કારણ કે ઓછા ખર્ચામાં સારૂ પરિણામ મળતા ખેડૂતે અન્ય ખેડૂતને પણ પ્રેરણા લેવા માટે જણાવ્યું હતું. નોંધનીય છે કે સૂર્યમુખીનો પાક લેવા માટે કોઇ નિશ્ચિત સિઝન હોતી નથી, ગમે ત્યારે આ પાક લઇ શકાય છે. બીજી તરફ લોકો પણ હેલ્થ ફેક્ટરને ધ્યાને રાખીને સૂર્યમુખીના તેલ તરફ વળ્યા છે ત્યારે આ પાક ઉપયોગી સાબીત થઇ રહ્યો છે. ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે રહેતા અને ખેતી કરતા ભીખુભાઈ નથુભાઈ પંપાણીયા અને માલદેભાઈ નથુભાઈ પંપાણીયાએ કરેલું સાહસ હાલ આસપાસના પંથકના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં ખેડૂતે કરેલી સુર્યમુખીની ખેતીમાં હાલ જ્યાં જુઓ ત્યાં સૂર્યમુખીના સુંદર અને મનમોહક ફૂલો ખીલી ઉઠેલા જોવા મળે છે.ત્યારે અહિંયાથી પસાર થતા રાહદારીઓ પણ ખેંચાઈ આવતા જોવા મળે છે. સુર્યમુખીની ખેતી કરનાર ખેડૂત પણ જણાવે છે કે આ ખેતી બહુ ખર્ચાળ નથી અને તેમનું પરિણામ પણ સૌ કોઈ નજરે જોઈ શકે છે ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ખેતી સંપૂર્ણ ઓર્ગેનિક છે અને જાળવણી માટે પણ કોઈ વધારાનો ખર્ચ નથી થતો. કોઇ પણ પ્રકારની જમીન માફક આવે છે.સૂર્યમુખીનો પાક વર્ષ દરમિયાન ગમે ત્યારે લઇ શકાય છે. મોડા વાવેતરનાં હિસાબે ઉત્પાદનમાં થતો ઘટાડો આ પાક લેવાથી નિવારી શકાય છે અને સૂર્યમુખી ગમે તે પ્રકારની જમીનમાં થઈ શકે છે ત્યારે આ પાક પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોય જેથી ઓછા વરસાદમાં પણ નિષ્ફળ જતો નથી અને લીલાઘાસ ચારા તરીકે પણ લઈ શકાય છે.
