છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ તા. 28 માર્ચ 2022થી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં માં ધો.10ના 15198, ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1234 અને સામાન્ય પ્રવાહના 6069 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસીની પરીક્ષા અર્થે ફાળવેલ કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા નિહાળવા પરિક્ષાર્થીઓ તથા વાલીઓ આવ્યા હતા. સવારમાં પરીક્ષા કેન્દ્રો ઉપર બેઠક વ્યવસ્થા જોવા સમય ના બગડે તેથી પહેલેથી જાણકારી મેળવી લીધી હતી. છોટાઉદેપુરની સૌથી મોટી એસ.એફ. હાઇસ્કૂલ ઉપર બેઠક વ્યવસ્થા નિહાળવા અર્થે પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે ગયા વર્ષે 2021માં કપરો કોરોના કાળ ચાલતો પરીક્ષા લેવી એ આરોગ્ય અર્થે હીતાવહ ના હોય જેથી સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. પરંતુ ચાલુ વર્ષ દરમિયાન કોરોનાની ગતિ શાંત થતા કોવિડ-19 કેસોનું પ્રમાણ ઘટતાં હવે દર વર્ષની જેમ નિયમો અનુસાર પરીક્ષા લેવામાં આવનાર છે. પરંતુ ગયા વર્ષે ધોરણ 9 અને ધોરણ 11 માં પરીક્ષાઓ લેવામાં ન આવતા પરીક્ષાર્થીઓમાં ખચકાટની સાથે સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જતાં. તા. 28 માર્ચના રોજથી એસએસસી અને એચએસસીની પરીક્ષા શરૂ થશે. તેમાં એસએસસીની પરીક્ષામાં જિલ્લામાં કુલ 15198 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે અને એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 1234 વિદ્યાર્થીઓ અને એચએચસી સામાન્ય પ્રવાહમાં 6069 મળીને કુલ 22501 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે જેમાં તંત્ર દ્વારા કુલ 528 બ્લોક ફાળવેલા છે અને જેનું સંચાલન 51 કેન્દ્ર સંચાલકો કરશે અને 550 બ્લોક સુપરવાઈઝર અને 102 વહીવટી કર્મચારી પરીક્ષાની કામગીરીમાં જોડાશે. તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલે અને કોઈ અડચણ ન આવે તે માટે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજરોજ તા. 28ના વિદ્યાર્થીઓને ગોળ ધાણા ખવડાવી તિલક કરી અને પુષ્પ આપી પ્રવેશ આપવામાં આવશે, તેમ એસ એફ હાઈસ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં આવેલ અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લાના અમુક ઊંડાણના ગામોમાં નેટવર્કની સુવિધાઓ ન હોય મોબાઈલ હોય પરંતુ ટાવર ન પકડાય અને સ્માર્ટફોન મોંઘા પણ આવતા હોય જેથી ઘણા પાસે મોબાઇલની સુવિધા પણ ન હોય જેના કારણે આગળના દિવસોમાં જોઈએ તેવુ શિક્ષણ વિદ્યાર્થીઓ મેળવી શક્યા નથી. હવે જોવાનું રહ્યું કે આવનારુ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ કેવું આવે છે.