28 માર્ચથી 12 એપ્રિલ સુધી થનાર બોર્ડ પરીક્ષા માટે જાહેરનામુ. રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં તા. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન એસ.એસ. સી. અને એચ. એસ. સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના 9થી સાંજનાં 7 દરમિયાન આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા હેઠળ જિલ્લાના પરીક્ષાકેન્દ્રોએ સવારના 9 થી સાંજના 7 સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કૃત્ય પર પ્રતિબંધ મૂક્યો છે.