કોરોનામાં બંધ થયેલી દિલ્હી-મુંબઈની ફ્લાઇટ પણ શરૂ. વડોદરાથી ચેન્નાઈ માટે રવિવારથી નવી ફ્લાઇટનો પ્રારંભ થયો છે, જ્યારે અગાઉ બંધ થયેલી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ પણ રવિવારથી ચાલુ થઈ છે. ચેન્નાઈની ફ્લાઇટનો પ્રારંભ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા એરપોર્ટ ખાતે કેટ કાપીને કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી બાદ પ્રથમ વખત વડોદરા એરપોર્ટથી 13 ફ્લાઇટનો શિડ્યૂલ ઓપરેટ કરવામાં આવ્યો હતો. કોરોના દરમિયાન બંધ થયેલી દિલ્હીની સાંજની ફ્લાઇટ અને મુંબઈની સાંજની ફ્લાઇટ પણ રવિવારથી શરૂ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરોની ચહલ પહલ વધી હતી. બપોરે 2:30 વાગે ચેન્નાઈથી વડોદરા માટે ફ્લાઇટ આવી હતી. તેમાં આવેલા મુસાફરોનું સ્વાગત સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે રાત્રે 8:30 વાગે દિલ્હીની ફ્લાઈટ આવી હતી અને ત્યારબાદ 9 વાગે મુંબઈ માટેની ફ્લાઈટ પણ આવતાં મોડી રાત સુધી એરપોર્ટ પર મુસાફરોની અવરજવર જોવા મળી હતી. ચેન્નાઈથી આવેલી પહેલી ફ્લાઈટમાં 180 મુસાફરો આવ્યા હતા, જ્યારે વડોદરાથી 185 મુસાફરો પરત ગયા હતા.