કોરોના સંક્રમણ અને લૉકડાઉનના કારણે દેશના સેંકડો લોકોએ રોજગારી ગુમાવી અને હજુ પણ તેમાંથી બેઠા થવાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તેના કારણે અનેક પરિવારોની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ છે. તો બીજી તરફ, હજારો જીવન વીમા પોલિસીધારકો એવા છે જેઓ મેચ્યોરિટી ક્લેઈમ (પરિપક્વતા દાવા) લેવાની પણ દરકાર કરતાં નથી. ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) અમદાવાદ ડિવિઝનમાં ચાલુ નાણાકીય વર્ષમાં 25 માર્ચની સ્થિતિએ 16841 મેચ્યોરિટી ક્લેમ બાકી છે જેની રકમ 148.75 કરોડ રૂપિયા થાય છે. વર્ષ 2020-21માં પણ મેચ્યોરિટી ક્લેઈમ બાકી હોવાની સંખ્યા 6280 છે. એલઆઇસીના સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે, છેલ્લા વર્ષના કુલ મળી 23121 મેચ્યોરિટી ક્લેમ બાકી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 260705 હયાતી (મનીબેક ક્લેઈમ) અને મેચ્યોરિટી ક્લેઈમમાં 2314 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, નાણાકીય વર્ષ પૂરું થવામાં થોડાક જ દિવસ બાકી છે છતાં પત્ર વ્યવહાર અને ટેલિફોનિક સંપર્ક કરવા આવે છે પરંતુ પોલિસીધારકો મેચ્યોરિટી ક્લેઈમની કાર્યવાહી પૂરી કરતાં નથી. અધિકારીએ કહ્યું કે, પોલિસીધારકો નોમિનેશન, સરનામું, મોબાઇલ નંબર અપડેટ કરાવતા નથી તેના કારણે સંપર્ક સાધવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. પોલિસી મેચ્યોર થાય ત્યારે આવી અધૂરી વિગતોને કારણે અમે ક્લેઈમના નાણાં લાભાર્થીને આપવામાં મુશ્કેલી અનુભવીએ છીએ.