શહેરમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1માં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના ઈસ્ટ વેસ્ટ કોરિડોર તેમજ એપીએમસીથી મોટેરા સુધીના નોર્થ સાઉથ કોરિડોરમાં મેટ્રો ટ્રેનના સંચાલન માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 32 મેટ્રો ટ્રેનો માટે 96 કોચ સાઉથ કોરિયાથી મગાવવામાં આવ્યા હતા. આ તમામ ટ્રેનો લગભગ એક વર્ષ પહેલા જ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાંથી હાલમાં એપેરલ પાર્ક ડેપોમાં 18 ટ્રેનો તેમજ ગ્યાસપુર ડેપોમાં 14 ટ્રેનો મુકી રાખવામાં આવી હતી. જો કે હવે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે શહેરમાં ઓગસ્ટ 2022થી ફેઝ-1ના બંને રૂટ મળી 40 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએથી સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે જીએમઆરસી દ્વારા બંને રૂટ પર તૈયાર કરાઈ રહેલા કોરિડોરની કામગીરી પૂર્ણ કરી ટ્રેનોનું સંચાલન શરૂ થાય તે માટે તડામાર કામગીરી કરી રહ્યા છે. જેમાં ટ્રેક, સિગ્નલ, ઈલેક્ટ્રિફિકેશનની સાથે સ્ટેશનની કામગીરી લગભગ અંતિમ તબક્કામાં છે. આ સંજોગોમાં એક વર્ષથી બંધ પડેલી મેટ્રો ટ્રેનો પણ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેમાં ટ્રેનોની સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જીએમઆરસી દ્વારા તમામ રૂટ પર પ્રથમ તબક્કામાં ત્રણ કોચની ટ્રેન દોડાવવામાં આવશે. પેસેન્જરોની સંખ્યા વધ્યા બાદ ભવિષ્યમાં 5થી 6 કોચની ટ્રેનો પણ દોડાવી શકાય તે રીતે સ્ટેશનોને પૂરતી લંબાઈ સાથે તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં ફેઝ-1માં 40 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાના ઉદ્દેશના ભાગરૂપે મેટ્રોના નોર્થ સાઉથ કોરિડોરમાં ગ્યાસપુર ડેપોથી શ્રેયસ ક્રોસિંગ સ્ટેશન સુધી જીએમઆરસીના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા ટ્રાયલ રન પહેલા મેટ્રો ટ્રેનની પ્રીટેસ્ટિંગ કામગીરી શરૂ કરાઈ છે. સોમવારે ગ્યાસપુર ડેપોથી શ્રેયસ ક્રોસિંગ સુધીના રૂટ પર મેટ્રો દોડાવાઈ હતી. પ્રીટેસ્ટિંગમાં ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, મેટ્રો ટ્રેન સહિત અન્ય ટેકનિકલ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલમાં માત્ર વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધીના 6 કિલોમીટરમાં જ મેટ્રો ટ્રેન દોડે છે.