અમરેલી સહિત જિલ્લાભરમાં દિવસે દિવસે તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકોને આકરા તાપનો સામનો કરવો પડે છે. લુથી બચવા માટે લોકો ઠંડાપીણાના સહારો લઈ રહ્યા છે. તો બપોરે અમરેલીની બજારો સુમસામ જોવા મળે છે. જિલ્લામાં સતત થતી અગન વર્ષાથી લોકો અકળાઈ ઉઠ્યા છે. હજુ આગામી દિવસોમાં જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાઈ તેવી હવામાન નિષ્ણાંતોએ ધારણા વ્યક્ત કરી હતી. અમરેલીમાં આજે તાપમાનનો પારો 39 ડીગ્રી પર પહોંચી ગયો હતો. અને લુનું પ્રમાણ પણ વધ્યું હતું. ગીર પંથકમાં પણ આકરી ગરમી અને લુના કારણે લોકો બપોર વચારે ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. ઉનાળાની શરૂઆતમાં જ જિલ્લામાં આકાશમાંથી આકરો તાપ પડી રહ્યો છે. ગરમ પવન અને લુના કારણે મુખ્ય માર્ગો ખાલીખમ જોવા મળ્યા હતા. અમરેલી સવારે તાપમાનનો પારો 23.6 ડીગ્રી હતો. અને બપોર થતાની સાથે આ આંક 39 ડીગ્રી પર પહોંચી ગયો હતો. તો ભેજનું પ્રમાણ 76 ટકા રહ્યું હતું. અને પવનની ગતિ 4.6 રહી હતી. સતત વધતી ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે. તેમજ ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે. રાજુલા પંથકમાં લોકો ગરમીથી બચવા તરબુચ સહિત અન્ય ઠંડા ફળ આરોગતા જોવા મળ્યા હતા. તેમજ ઠંડાપીણાની દુકાનો પર લોકોની ભીડ જામી હતી. અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ આકરા તાપથી આગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની હવામાન નિષ્ણાંતોએ આગાહી વ્યક્ત કરી હતી.